ગેસ્ટ એડિટરની કલમે:સંબંધમાં હંમેશા સ્વપ્ન કે પેશન સરખે ભાગે વહેંચાવવા જોઈએઃ શેફાલી રાંદેરિયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - શેફાલી રાંદેરિયા - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - શેફાલી રાંદેરિયા

આજે 15મી ઓગસ્ટ, ભારતીય સ્વતંત્રતાના સાડા સાત દાયકા વીતી ગયા પછી બદલાયેલા દેશને જોઈ રહી છું ત્યારે મને લાગે છે કે ભારતીય સમાજની માનસિકતા જેટલી બદલાવી જોઈએ એટલી બદલાઈ શકી નથી. ‘દિવ્ય ભાસ્કર’નો આ નવો જ પ્રયાસ ગુજરાતની સ્ત્રીઓને જુદી રીતે વિચારવા માટે દિશા આપી શકશે એવો મને વિશ્વાસ છે. આ દેશની સ્ત્રી માટે એનું ઘર અને પરિવાર હંમેશા પ્રથમ રહે છે. એનો વ્યવસાય કે કારકિર્દીને એ બીજું સ્થાન આપે છે. મેં પણ કદાચ એવું જ કર્યું છે. આજે સિદ્ધાર્થ રાંદેરિયા એક સ્ટાર છે.

એના પગનું ઓપરેશન થયું ત્યારે ત્રણ વર્ષ જેટલો સમય એણે લગભગ ઘરમાં વિતાવવો પડ્યો. મારા દીકરાઓ 10 અને 12 ધોરણમાં હતા. મારાં સાસુ અમારી સાથે હતાં. ત્યારે મેં વ્યવસાયને ગંભીરતાથી લેવાનો શરૂ કર્યો. મારો પરિવાર ખૂબ અનુશાસન અને નિયમિત પ્લાનિંગ સાથે જીવતો એક વ્યવસાયિક પરિવાર હતો. બધું જ નિયમિત અને શિસ્તબદ્ધ રહેતું હોય ત્યારે આપણને સૌને એક વિચિત્ર સ્વતંત્રતા-મુક્તિનો અહેસાસ, આશ્ચર્યો અને પ્લાનિંગ વગર જીવાતી એક બેફામ જિંદગીનું આકર્ષણ રહે જ! સિદ્ધાર્થને મળી ત્યારે મને એવો જ અહેસાસ થયેલો.

એને માટે ‘જિંદગી’ એટલે એક પાર્ટી...સતત ખુશ રહેવાની, મજા કરવાની અને પ્લાનિંગ વગર વહેતા રહેવાની એની પર્સનાલિટી મને ગમી ગઈ. થોડાં વર્ષો અમે મજાથી જીવ્યા. સંતાનોના જન્મ પછી મને સમજાયું કે ‘નાટક’ની દુનિયા અને ‘મારી’ દુનિયા જુદી છે. મારા પપ્પાની ઑફિસમાં એક નાનકડી ટેબલ સ્પેસ સાથે મેં એડવર્ટાઇઝીંગ એજન્સી શરૂ કરી. લગભગ 15 વર્ષ સુધી હું મારા વ્યવસાયમાં એકદમ વ્યસ્ત રહી. બે દીકરાઓનો ઉછેર અને એમના શિક્ષણને પૂરો સમય આપ્યો. સિદ્ધાર્થે અભિનેતા તરીકે ટીવી કે સિનેમાને કદી પ્રાધાન્ય આપ્યું નહીં. મેં એના કામની જવાબદારી ઉપાડી લીધી. એ એનું કામ સરળતાથી કરી શકે એ માટે બાકીનું બધું મેં મારા હાથમાં લીધું.

આપણા જીવનસાથી માટે જે પેશન હોય એમાં જો આપણે સહકાર આપી શકીએ તો લગ્નજીવન વધુ સમજદારી અને મિત્રતાથી જીવી શકાય છે. કેટલીક વખત એવું થાય છે કે આપણે ઘરની આર્થિક જવાબદારી ઉપાડી શકતા હોઈએ તેમ છતાં એવી અપેક્ષા રાખીએ કે પુરુષ તરીકે એમણે જ એ જવાબદારી ઉપાડવી જોઈએ. જો એક સ્ત્રી પરિવારમાં આર્થિક યોગદાન કરીને પોતાના જીવનસાથી, પતિને એના સ્વપ્ન કે પેશન માટે સમય આપવાની સગવડ કરી શકતી હોય તો એવું કરીને એ પોતાના જ લગ્નને અને સંબંધને મજબૂત બનાવે છે.

ભારતીય પરિવારના ઉછેરમાં દીકરીને પરસ્પર વિરોધી બે બાબતો શીખવવામાં આવે છે. કેટલાક પરિવાર ફક્ત પારિવારિક જવાબદારી જ નિભાવવાનું શીખવે છે. બીજી તરફ અમુક પરિવાર દીકરીને આર્થિક સલામતી અને સ્વતંત્રતા વિશે એટલી બધી જાગૃત કરી નાખે છે કે એ પોતાના વ્યવસાયમાંથી થતી આવક જીવનસાથી કે પરિવાર માટે નહીં પણ માત્ર પોતાની સલામતીનો વિચાર કરીને જ બચાવી રાખતાં શીખવે છે. જ્યારે બે વ્યક્તિ જોડાઈને એક પરિવાર બનાવે ત્યારે બન્નેના સ્વપ્ન-પેશન કે જવાબદારી સરખે ભાગે વહેંચાવી જોઈએ. બીજી બધી રીતે જો આપણે મોર્ડન હોવાનો દાવો કરતા હોઈએ તો માનસિક રીતે પણ મોર્ડન વિચારતા શીખવું પડશે.