શહેરમાં લુખ્ખા તત્વો એટલા બેફામ બન્યા છે કે હવે પોલીસ પર પણ તલવારો અને છરી વડે હુમલો કરવા લાગ્યા છે. માધવપુરામાં રહેતા અને એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેના મિત્ર સાથે ઝઘડાની અદાવત રાખીને 4 શખ્સોએ તલવાર અને છરીના ઘા માર્યા હતા.એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને પાર્ક કરેલા વાહાનોની તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે માધવપુરા પોલીસે ચારેય લુખ્ખાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોન્સ્ટેબલે શાંત કારાવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી
માધવપુરામાં રહેતા અને એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયભાઈ દાતણીયા ગત કાલના સાંજના સમયે તેમના ઘર પાસે તેમના મિત્ર પ્રકાશ સાથે ઉભા હતા ત્યારે સુરેશ ઉર્ફે સુર્યો ત્યાં આવીને પ્રકાશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી કોન્સ્ટેબલ અજયભાઈએ તેમને શાંત કરાવ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા સુરેશે તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે આ ઘટનાના 10 મિનિટ બાદ સુરેશ ઉર્ફે સુર્યો તેના મિત્ર સંદીપ પરમાર અને બીજા બે અજાણ્યા માણસોને સાથે લઈને તલવાર અને છરીઓ લઈને આવ્યો હતો અને અચાનક જ ઝઘડો કરીને પ્રકાશને મારમારવા લાગ્યો હતો.
પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો
એટલું જ નહીં પ્રકાશને તલવારનો ઘા મારી દીધો હતો. તો બીજી બાજુ સુરેશ ઉર્ફે સુર્યાએ કોન્સ્ટેબલ અજયભાઈને પણ તલવારનો ઘા માર્યો હતો. જેથી અજયભાઈ અને પ્રકાશ આ લુખ્ખા તત્વોથી બચવા માટે ભાગ્યા ત્યારે આ ચારેય તેમની પાછળ ભાગીને તેમને મારમાર્યો હતો એટલું જ નહીં આપસાના વાહનોમાં પણ તલવારના ઘા મારીને નુકશાન પહોંચાડ્યું હતુ. બાદમાં આ ચારેયે ધમકી પણ આપી હતી કે, જો ફરીવાર સામે આવશો તો હવે જો જાનથી જ મારી નાખીશ તેમ કહીને જતા રહ્યા હતા. બીજી બાજુ આસપાસના લોકો ભેગા થઈને ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને તેના મિત્રને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ માધવપુરા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં કોન્સ્ટેબલ અજયભાઈએ સુરેશ ઉર્ફે સુર્યા સહીત ચાર વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.