ક્રાઈમ:થલતેજમાં સિનિયર સિટિઝને ચિઠ્ઠીમાં ‘પુત્ર કહ્યામાં નથી,  તેને મિલકતમાંથી બરખાસ્ત કરું છું’ લખી ગળે ફાંસો ખાધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રના ત્રાસથી કંટાળીને પિતાએ અંતિમ પગલું ભર્યું, સોલા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરશે

થલતેજમાં રહેતા એક વૃદ્ધે દીકરાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. આત્મહત્યા કરતા પહેલા વૃદ્ધે એક ચિઠ્ઠી લખી હતી, જેના આધારે સોલા હાઈકોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.

થલતેજ - શીલજ રોડ ઉપર આર્યમાન બંગલોઝની બાજુમાં આવેલા કામેશ્વર ફલેરિન્સમાં રહેતા હરેશભાઇ અરજણભાઇ પ્રજાપતિ(60)એ થલતેજ ભાવિન સ્કુલ પાસે આવેલા સોહમ રો-હાઉસ ખાતેના તેમના બીજા મકાનમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા સોલા હાઈકોર્ટ પોલીસ આવી પહોંચી હતી. પોલીસને ત્યાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘તેઓ દીકરા સંજય સાથે રહેતા હતા. જ્યારે તેમનો બીજો દીકરો નિકુલ તેમના બીલકુલ કહ્યામાં ન હતો, જેથી તેઓ તેમની મિલકતમાંથી નિકુલને બરખાસ્ત કરી રહ્યાં છે.

આ અંગે સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, ‘હરેશભાઇએ આત્મહત્યા કરતા પહેલા ચિઠ્ઠી લખી હતી, જેમાં દીકરો નિકુલ કહ્યામાં નહીં હોવાથી તેને મિલકતમાંથી બરખાસ્ત કરી રહ્યા હોવાનું લખ્યું હતું. જોકે હાલમાં પરિવારના સભ્યો હરેશભાઇની અંતિમક્રિયા અને ત્યારબાદની વિધિમાં હોવાથી તેમની પૂછપરછ થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...