વિવાદ:સેટેલાઈટમાં નાળિયેર વધેરવાના ઝઘડામાં જેઠે દેરાણીને પાઈપથી ફટકારી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મકાનની આગળ જ નાળિયેર વધેરવા અને અગરબત્તી કરવા બાબતે દેરાણી અને જેઠ વચ્ચે ઝઘડો થતાં, જેઠે પીવીસી પાઈપ વડે દેરાણી પર હુમલો કર્યો હતો. આ અંગે દેરાણીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં જેઠ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડીલોપાર્જિત મકાન બાબતે બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

સેટેલાઈટ કેન્યુગ ચાર રસ્તા પાસેની યોગાશ્રમ સોસાયટીમાં રહેતા તરુણાબેન ભાવસાર(55)પતિ રાજેન્દ્રભાઈ, દીકરા ભાવિન સાથે વડીલોપાર્જિત મકાનમાં ઉપરના માળે રહે છે જ્યારે ગ્રાઉન્ડ ફલોર પર તેમના જેઠ ગિરીશકુમાર ચીમનલાલ ભાવસાર પરિવાર સાથે રહે છે.

બુધવારે સવારે 8.45 વાગ્યે તરુણાબેન અને પરિવાર ઘરે હતો. ત્યારે 3 મજૂરો તરુણાબેનના રૂમના બારણાની બહાર અગરબત્તી કરીને નાળિયેર વધેરી રહ્યા હતા. જેથી તરુણાબેને તેમને રૂમની બહાર આવું કરવાની ના પાડતાં, ગિરીશભાઈએ મજૂરોને કહ્યું કે, અહીં જ વધેરો હું જોઉં છું કે કોણ ના પાડે છે? જેથી તરુણાબેને નીચે જઈને જેઠ ગિરીશભાઈને કહ્યું કે, તમારે નાળિયેર વધેરવું હોય તો ઘરના ઝાંપા બહાર વધેરો અમારા રૂમની આગળ નહીં. તેથી ગિરીશભાઈએ ગુસ્સે થઇ પીવીસીની પાઈપથી તરુણાબેનને કોણીના ભાગે ફટકા માર્યા હતા. આ અંગે તરુણાબેને જેઠ ગિરીશભાઈ વિરુધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...