સંવેદના દિનની ઉજવણી:રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોમાં 8.20 લાખ લોકોના આવકના દાખલા સહિતના કામો થયા, કોરોનામાં અનાથ થયેલા 2691 બાળકોની અરજી મળી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી - Divya Bhaskar
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી
  • ગ્રામ્ય કક્ષાએ 5,77,447 અને શહેરી વિસ્તારમાં 2,46,138 રજૂઆતો મળી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને 7 ઑગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાજ્ય સરકારે કરેલી કામગીરીની માહિતી-સેવાઓ માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ 1 ઑગસ્ટથી 9મી ઑગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી આયોજન કરાયું છે. જે અંતર્ગત 2 ઑગસ્ટે સંવેદના દિન નિમિત્તે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમોનુ આયોજન કર્યું હતું. સેવા સેતુના આ કાર્યક્રમોમાં એક જ દિવસમાં 8.20 લાખથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ કાર્યક્રમોમાં મળેલી રજૂઆતો પૈકી 99.63 ટકા રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન કોવિડ-19 મહામારી દરમ્યાન અનાથ બનેલા બાળકોની સહાય મેળવવાની સમગ્ર રાજ્યમાં કુલ 2691 અરજીઓ મળી હતી.

કાર્યક્રમ સ્થળે નોટરી, ઝેરોક્ષ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફીની વ્યવસ્થા કરી
સમગ્ર રાજ્યમાં ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા-મહાનગરપાલિકા ક્ક્ષાએ કુલ 433 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 57 સેવા આવરી લેવામાં આવી હતી અને કાર્યક્રમના સ્થળે નોટરી, ઝેરોક્ષ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફીની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જુદા જુદા 14 વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહીને ઉમદા સેવાઓ પુરી પાડી હતી.

8.23 લાખમાંથી 8.20 લાખ અરજીનો સ્થળ પર જ નિકાલ
સમગ્ર રાજ્યમાં કુલ 8,23,584 અરજદારોએ ઉપસ્થિત રહી જુદી જુદી સેવાઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજીઓ આપી હતી તે પૈકી ગ્રામ્ય કક્ષાએ 5,77,447 અને શહેરી વિસ્તારમાં 2,46,138 રજૂઆતો મળી હતી. કુલ મળેલી રજૂઆતો પૈકી 8,20,513 રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ થયેલ છે.
આ રજૂઆતોમાં મુખ્યત્વે રેશનકાર્ડમાં સુધારા, મિલ્કત આકારણીના ઉતારા, આવકના દાખલા, 7/12 અને 8(અ)ના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય (મા કાર્ડ) અને હેલ્થ વેલનેસ કાર્ડ અંગેની મુખ્ય અરજીઓ હતી.

કયા જિલ્લા અને શહેરમાં કેટલી અરજી મળી
ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં-62,853, રાજકોટ જિલ્લામાં 48,010, નર્મદા જિલ્લામાં-37,746 અને અમદાવાદ જિલ્લામાં-28,584 રજૂઆતો મળી છે, જેની સામે આ જિલ્લાઓમાં 99.95 % હકારાત્મક નિકાલ થયેલ છે. શહેરી વિસ્તારમાં ગાંધીનગરમાં 10,089 અરજીઓ મળી હતી જે તમામ અરજીઓનો 100 ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં-35,680 અમદાવાદ જિલ્લામાં-24,596, આણંદ જિલ્લામાં-17,678 અને વડોદરા જિલ્લામાં-16,912 અરજીઓ મળેલ છે અને આ જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં 99.98 ટકા હકારાત્મક નિકાલ થયેલ છે.

સૌથી વધુ 7/12 અને 8(અ) મેળવવા 2,42,844 અરજીઓ મળી
વ્યક્તિગત નિકાલમાં રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની 23,243 અરજીઓ, 7/12 અને 8(અ) મેળવવાની 2,42,844 અરજીઓ, આવકના દાખલા મેળવવા 63,335 અરજીઓ, હેલ્થ વેલનેસ પ્રમાણપત્ર માટે 1,02,540 અરજીઓ અને મિલકત આકારણીની 50,580 અરજીઓ મળેલ છે, જે પૈકી 99 ટકાથી વધારે અરજીઓના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.

ખાસ તો કોવિડ-19 મહામારી દરમ્યાન અનાથ બનેલા બાળકોની સહાય મેળવવાની સમગ્ર રાજ્યમાં કુલ 2691 અરજીઓ મળેલ. ઉપરાંત વિધવા, વિકલાંગ અને વૃદ્ધોને સહાય માટેની 6,869 અરજીઓ મળેલ જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.