રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યૂ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
'કોરોના સંક્રમણ માટે સરકાર દોષિત'
રાત્રિ કર્ફ્યૂની જાહેરાત બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકારના નિર્ણયો રાજકીય લોકો માટે અલગ અને પ્રજા માટે અલગ ન હોવા જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણ માટે દોષનો ટોપલો ગરીબો પર ન ઢોળવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ક્રિકેટ મેચો બાદ રાજ્યમાં કોરોના પુનઃ વકર્યો. કોરોનાના સંક્રમણ માટે રાજ્ય સરકાર ખુદ દોષિત છે. કર્ફ્યૂનો સમય ચાર મહાનગરોમાં વધારીને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, જેનાથી લોકોની હાલાકી વધવાની છે.
'કર્ફ્યૂનો સમય વધારવાથી નાના લોકોની હાલાકી વધશે'
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કર્ફ્યૂનો સમય ચાર મહાનગરોમાં વધારીને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, જેનાથી લોકોની હાલાકી વધવાની છે. નાની રેંકડીવાળા, નાના સ્ટોલવાળા, રેસ્ટોરન્ટ અને રોજ લાવીને રોજ ખાનાર વ્યક્તિઓની હાલાકી વધવાની છે. કોરોનાના કારણે ગરીબ, નાના અને મધ્યમવર્ગના લોકોની હાલાકી વધી છે. રાત્રિના 10 પછી કર્ફ્યૂ લાગવાને કારણે નાના રેંકડીવાળા, સ્ટોલવાળા, લારીવાળા, રેસ્ટોરન્ટવાળા, ખાણીપીણી બજારવાળાને ધંધો 9 વાગ્યાથી બંધ કરી દેવો પડશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન જરૂરી છે પરંતુ મારો સરકારને પ્રશ્ન છે કે, શું કોરોના ફક્ત ખાણીપીણી બજારમાંથી, રેંકડી પરથી, નાના સ્ટોલ પરથી, રેસ્ટોરન્ટમાંથી ફેલાવાનો છે? કોરોના ફેલાવવા માટેનું મુખ્ય કારણ રાજકીય વ્યક્તિઓ જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય મેળાવડાઓ થયા, જમણવાર થયા, રેલીઆ થઈ, તાયફાઓ થયા, સભાઓ થઈ, તેના પરિણામે આજે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અત્યંત વધી ગયું છે અને કોરોના વકર્યો છે.
રાત્રિ કર્ફ્યૂની મુદત પૂરી થઈ ગઈ
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત ગઈકાલે જ પૂરી થઈ ગઈ હતી. એવામાં નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે. DyCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.
રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના મેચ રમાશે
સોમવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.
સિવિલમાં કોરોનાના દર્દીઓમાં વધારો
અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.