ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. આ વખતે પણ સર્વાધિક મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અત્યારથી એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. રાજકીય પક્ષોની વાત થોડી અલગ હોય છે. તેઓ પોતાના લાભાલાભની તિરાસી માંડતા હોય છે. એમને લાગે કે આ વિસ્તારના વધુ મતદાનથી પોતાને નુકસાન થાય છે તો તેમાં વધુ વોટિંગ માટે જોઇએ તેટલા પ્રયાસ કરવાનું ટાળતા હોય છે તેમને ફાયદો દેખાય તેવા વિસ્તાર, કસ્બા, બેઠકમાં સર્વાધિક તાકાત લગાવતા હોય છે.
અમદાવાદ અને બોટાદ જિલ્લામાં 2017માં થયેલા મતદાન અને તેની સામે બે રાજકીય પક્ષોએ જીતેલી બેઠકોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં જે બે બેઠક પર અન્ય કરતાં સૌથી ઓછું વોટિંગ થયું હતું તે બંનેમાં કોંગ્રેસનો અને પ્રમાણમાં વધુ વોટિંગવાળી સીટમાં ભાજપને ફાયદો થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોના રાજકીય પ્રવાહમાં એવું કહેવાતું આવ્યું છે કે વધુ મતદાન ભાજપને અને ઓછું મતદાન કોંગ્રેસને અથવા બિનભાજપી પક્ષો - અપક્ષને ફાયદો કરાવે છે. અમદાવાદ જિલ્લામાં પણ આવું જોવા મળ્યું છે. કદાચ આ એક સંયોગ પણ હોઇ શકે.
વર્ષ 2017માં અમદાવાદ શહેર સિવાય જિલ્લાની પાંચ બેઠકોની વાત કરીએ તો જિલ્લાની અન્ય બેઠકોની સરખામણીમાં સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં સરેરાશ 57.19 ટકા થયું હતું. આ બેઠક પર કોંગ્રેસના રાજેશકુમાર ગોહિલે ભાજપના કાળુભાઇ ડાભીને 5920 મતથી હરાવ્યા હતા. સૌથા ઓછા મતદાનમાં બીજા નંબરે આવતી વિરમગામ બેઠકમાં પણ કંઇક આવું જ થયું. અહીંયા કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે ભગવી બ્રિગેડનાં ડો. તેજશ્રીબેન પટેલને 6548 વોટથી માત આપી હતી. ઉક્ત બે વિસ્તાર કરતાં વધુ મતદાન થયું હતું તેના પરિણામની વાત કરીએ તો ધોળકા વિધાનસભા બેઠકમાં 69.27 ટકા મતદાન થયું હતું.
જ્યાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના તેમના નજીકના પ્રતિસ્પર્ધી અશ્વિનભાઇ રાઠોડ કરતાં 327 મતથી વિજેતા ઘોષિત થયા હતા. ધોળકા કરતા વધુ એટલે કે 71.40 ટકા વોટિંગ જિલ્લાની દસ્ક્રોઇ બેઠક પર થયું હતું જેનું રિઝલ્ટ પણ સ્પષ્ટ છે. અહીંયા બીજેપીના બાબૂભાઇ જમનાભાઇ પટેલે કોંગ્રેસના પંકજભાઇ પટેલને 45065 મતની જંગી સરસાઇથી હાર આપી હતી. દરમિયાન સાણંદ બેઠક પર સર્વાધિક 75.42 ટકા વોટિંગમાં ભાજપના કનુભાઇ પટેલ કોંગ્રેસના તેમનાં હરિફ પુષ્પાબેન ડાભી કરતાં 7721 વધુ મત મેળવી વિજયી થયા હતા.
અમદાવાદ જિલ્લાનો ટ્રેન્ડ બોટાદમાં પણ જળવાયો હતો. છેલ્લે વર્ષ 2017માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બોટાદ જિલ્લાની બે બેઠક બોટાદ અને ગઢડામાં સૌથી ઊંચું મતદાન બોટાદમાં 67.57 ટકા નોંધાયું હતું. આ સીટ પર ભાજપના સૌરભ દલાલે (પટેલ) 79623 અને કોંગ્રેસના ડી.એમ.પટેલને 78717 વોટ મળ્યા હતા. માત્ર 906ની પાતળી સરસાઇથી સૌરભ દલાલ જીત્યા હતા.
જ્યારે બોટાદની સરખામણીમાં ગઢડામાં માત્ર 56.20 ટકા વોટિંગ થયું હતું. અહીંયા કોંગ્રેસના પ્રવીણભાઇ મારુએ ભાજપના આત્મારામ પરમારને 9424 મતથી હાર આપી હતી. એ વાત અલગ છે કે બાદમાં કોંગ્રેસના વિજેતાએ ભાજપમાં ગુલાંટ મારી હતી. આમ અમદાવાદ અને બોટાદ જિલ્લામાં 2017માં થયેલા મતદાન અને તેની સામે બે રાજકીય પક્ષોએ જીતેલી બેઠકોની વાત કરીએ તો લઘુમતમાં કોંગ્રેસને અને વધુમતમાં ભાજપને ફાયદો થયો હતો.
વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીના મતદાનની વિગતો | ||||||||||||
કુલ મતદાર | મતદાન કરનાર મતદાતા | મત ટકાવારી | ||||||||||
બેઠક | પુરુષ | મહિલા | થર્ડ જેન્ડર | કુલ | પુરુષ | મહિલા | થર્ડ જેન્ડર | કુલ | પુરુષ | મહિલા | થર્ડ જેન્ડર | કુલ |
ધંધુકા | 131137 | 114017 | 7 | 245361 | 79046 | 61,263 | 1 | 140310 | 60.19% | 53.73% | 14.10% | 57.19% |
ધોળકા | 120244 | 110622 | 1 | 230867 | 87457 | 72,459 | 1 | 159917 | 72.73% | 65.50% | 100.00% | 69.27% |
દસ્ક્રોઇ | 163170 | 148236 | 1 | 311407 | 121073 | 101,267 | 1 | 222341 | 74.20% | 68.31% | 100.00% | 71.40% |
વિરમગામ | 140867 | 130235 | 6 | 271108 | 100311 | 83,282 | 1 | 183594 | 71.21% | 63.95% | 16.67% | 67.72% |
સાણંદ | 126712 | 116735 | 4 | 243451 | 99830 | 83,768 | 2 | 183600 | 78.78% | 71.76% | 50.00% | 75.42% |
બોટાદ | 135239 | 124453 | 1 | 259693 | 95945 | 79,518 | 1 | 175464 | 70.94% | 63.89% | 100.00% | 67.57% |
ગઢડા | 126175 | 115618 | 1 | 241794 | 75288 | 60,595 | 1 | 135884 | 59.67% | 52.41% | 100.00% | 56.20% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.