રંગ બદલતો હાર્દિક:2015માં હાર્દિકે કહ્યું- 'રાજકારણમાં નહીં જોડાઉ', 2019માં રાજકારણી બન્યા ને હવે 3 વર્ષમાં જ કોંગ્રેસમાં હરિરસ ખાટો થઈ ગયો!

અમદાવાદએક મહિનો પહેલા
  • પાટીદાર આંદોલન વેળાએ હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે મરતા મરી જઈશ, પણ કદી રાજકારણમાં નહીં જાઉ
  • 3 વર્ષ પહેલાં જ 'કોંગ્રેસ એટલે ગાંધી-સરદારની પાર્ટી' ને 'રાહુલ જેવા પ્રામાણિક કોઈ નહીં' કહીને કોંગ્રેસમાં જોડાયો
  • હવે ગણતરીના દિવસોમાં હાર્દિકના ભાજપગમનની વાતો, જેને પાટીદાર નેતાએ ભરપેટ ગાળો ભાંડી હતી

પાટીદાર અનામત આંદોલન સમિતિથી (PAAS) પાટીદાર સમાજના પોસ્ટરબોય, ક્રાંતિકારીનું બિરુદ મેળવનારા હાર્દિક પટેલના આજે ફરી સૂર બદલાયા છે. એક સમયે PAASનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ જ હાર્દિકે કહ્યું હતું કે મરતા મરી જઈશ, પણ કદી રાજકારણમાં નહીં જાઉ, કારણ કે હું રાજનેતા નથી, પરંતુ આ કથનનાં ચારેક વર્ષમાં જ કોંગ્રેસનાં ભરપેટ વખાણ કરીને હાર્દિક કોંગ્રેસમાં વિધિવત જોડાયો હતો. હવે ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થઈ ગયો છે. તેણે કોંગ્રેસ તો ફક્ત જાતિવાદનું રાજકારણ રમે છે એવા આક્ષેપ કરીને કોંગ્રેસને પણ સૂચક 'રામ..રામ..' કહી દીધું છે.

30 ઓગસ્ટ, 2015: 'હમ રાજનેતા નહીં હૈ ઔર બનના ભી નહીં ચાહતે'
PAASના આંદોલન દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પરની સભા બાદ હાર્દિક 30 ઓગસ્ટ, 2015ના રોજ દિલ્હી ગયો હતો. ત્યાં એક પત્રકાર પરિષદ દરમિયાન હાર્દિકને પ્રશ્ન કરાયો કે તમારી સાથે આટલો વિશાળ જનસમૂહ છે તો શું તમે પાર્ટી બનાવશો કે ચૂંટણી લડશો? આના જવાબમાં હાર્દિકે રાજકારણ સાવ તુચ્છ હોય તેવા હાવભાવ સાથે કહ્યું હતું કે હું કોઈ રાજકારણી નથી અને મારે બનવું પણ નથી. હું તો સમાજનો લીડર છું અને સમાજ માટે લીડરની જેમ આંદોલન ચલાવવા માગું છું.

2 નવેમ્બર, 2017: 'મેં BJP કે ખિલાફ હી પ્રચાર કરુંગા ઔર કોંગ્રેસ કી ફેવરમેં'
હાર્દિક પટેલ બે વર્ષમાં તો દેશના યુવા વર્ગ માટે આઈકન બની ગયો હતો. એક સમાચાર એજન્સીને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં આપેલા ઈન્ટરવ્યુમાં હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે તે આવનારી ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવાનો છે. આ ચૂંટણીમાં તે ભાજપની તદ્દન વિરુદ્ધ પ્રચાર કરશે અને કોંગ્રેસની તરફેણ કરશે અને તેને ડાયરેક્ટ-ઈન્ડાયરેક્ટ સપોર્ટ કરશે.

18 માર્ચ, 2019: 'કોંગ્રેસ તો ગાંધી-સરદારની પાર્ટી, ભાજપમાં જવું સમાજની ગદ્દારી'
પાટીદાર આંદોલન અને પાટીદાર સમાજના છોકરાઓ માટે અનામતની ઝુંબેશને કોરાણે કરીને હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. અમદાવાદ ખાતે એક સમારોહમાં કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. આ ઘટનાના સપ્તાહમાં જ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું હતું કે મારી પાસે બે જ વિકલ્પ હતા ભાજપ અને કોંગ્રેસ. હું ભાજપમાં જોડાઉં તો છઠીનું ધાવણ લાજે. 9-9 મહિના સુધી જે પાર્ટીએ મને જેલમાં રાખ્યો, સમાજના 14-14 યુવાનોની છાતીમાં ગોળી મારી, એ ભાજપ સાથે જોડાઉ તો સમાજ સાથે ગદ્દારી કરી કહેવાય. જ્યારે કોંગ્રેસમાં હોઉ તો આવી રીતે સમાજના કાર્યક્રમમાં મંચ પર આવી શકું. ભાજપમાં હોઉ તો મારે વિનંતી કરવી પડે કે સમાજનાં કામમાં મને જવા દો.

19 મે, 2022: 'કોંગ્રેસમાં નકરો જાતિવાદ ચાલે છે, મેં મારાં 3 વર્ષ બગાડ્યા'
હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે તેણે અમદાવાદની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને એ જ તેમનો વ્યૂહ છે. મેં મારાં 3 વર્ષ કોંગ્રેસમાં ખોટા વેડફી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...