સરકાર સતર્ક:ગુજરાતના 15 જિલ્લાના 1222 ગામમાં 43,187 પશુને લમ્પી વાયરસની સારવાર અપાઇ, 3.33 પશુમાં રસીકરણ પૂર્ણ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં પશુઓમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવાય (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજ્યમાં પશુઓમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવાય (ફાઈલ તસવીર)

પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડિસિઝ સંદર્ભે રાજ્ય સરકાર સતર્ક છે. ગુજરાતના 15 જિલ્લાના 1222 ગામમાં 43,187 પશુને લમ્પી વાયરસની સારવાર આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં 3.33 લાખ પશુમાં રસીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી
વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આ રોગનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું. જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાલ ચાલી રહી છે

14 જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ
વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી
વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, આ રોગના નિયંત્રણ અને નિયમિત સમીક્ષા હેતુ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળની સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના 15 જિલ્લાના 1222 ગામોમાં લમ્પી સ્કીન ડિસીઝનાં કેસ જોવા મળેલ અને તેમાં તમામ અસરગ્રસ્ત 43,187 પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યારસુધી 1066 પશુઓનાં લમ્પી સ્કીન ડિસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.

ટોલ ફ્રી હેલ્પલાઈન નં. 1962 24 કલાક કાર્યરત
વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યારસુધી 3.33 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં 15 જિલ્લામાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરીક્ષકો અને 272 આઉટસોર્સ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે. પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર ખાસ સુવિધા સાથે નરોડા અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના 24 કલાક મોનિટરિંગ સાથે ખાસ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે.