ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર:ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં વ્યાજખોરી અને બનાવટી નોટો અંગે સવાલો કર્યા, તો મુખ્યમંત્રીએ જવાબો આપ્યાં

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર

પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં 52, જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી (ગૃહ) સમક્ષ અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી લોકોની આત્મહત્યા, જવાબદારોની ધરપકડ અને ચાર્જશીટને લગતા પ્રશ્નો ઉપાડ્યા હતા. આ સાથે અમદાવાદ અને વડોદરા જિલ્લામાં બનાવટી નોટોના બનાવો, જવાબદારોની ધરપકડ અને ચાર્જશીટને લગતા સવાલો પણ કર્યા હતા. જેના જવાબ મુખ્યમંત્રીએ ગૃહમાં આપ્યા હતા.

વ્યાજખોરી અંગે ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન મુક્યો
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્નો મુક્યા હતા કે, તારીખ 31-01-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કેટલા લોકોએ આત્મહત્યા કરી? આ માટે જવાબદાર કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી? આ ઉપરાંત કેટલા લોકોની સામે ચાર્જશીટ કરવામાં આવી?

29 લોકોની ધરપકડ કરવામાં આવીઃ મુખ્યમંત્રી
જેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 08 લોકોએ અને ગ્રામ્યમાં 04 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરેલ છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરેલ લોકો માટે જવાબદાર 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, 25 લોકોની સામે ચાર્જશીટ કરવામાં આવી છે.

બનાવટી નોટોના સંદર્ભમાં કેટલા લોકોની ધરપકડ?
વધુમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્નો કર્યા હતો કે, તારીખ 31-01-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરા જિલ્લામાંથી કેટલી બનાવટી નોટો પકડવામાં આવી છે. બનાવટી નોટોના સંદર્ભમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી. તેમજ કેટલા લોકોની સામે ચાર્જશીટ કરવામાં આવી?

છેલ્લા બે વર્ષમાં 28 લોકોની સામે ચાર્જશીટ
જે અંગે મુખ્યમંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો કે, અમદાવાદ શહેરમાં 17601, અમદાવાદ ગ્રામ્યમાં 08, વડોદરા શહેરમાં 770, વડોદરા ગ્રામ્યમાં 14 બનાવટી નોટો પકડવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરા જિલ્લામાં બનાવટી નોટોના સંદર્ભમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં 28 લોકોની સામે ચાર્જશીટ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...