મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી એટલે કે ગરબાએ ગુજરાતના લોકોના લોહીમાં છે. ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે. ગુજરાત ગરબાને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી એવી માંગણી પણ કરી છે કે, આસ્થાનું અપમાન કરતા આવા GSTને હટાવો એમ કહીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારની અતિ નિમ્ન કક્ષાની કામગીરી માટે તેમની ઝાટકણી કાઢી હતી.
ગરબા પર 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો
સૌપ્રથમ તો મા જગદંબા વિશ્વ શક્તિને પ્રાર્થના કરું છું કે, ભાજપના સત્તાધીશોને થોડી સદબુદ્ધિ આપે અને ગરબા પર 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો છે, એ પાછો ખેંચે. ગરબા એ ગુજરાતની પરંપરા છે, શ્રદ્ધા છે, લોકોની આસ્થા છે અને આસ્થા ઉપર ક્યારેક ટેક્સ ન હોઈ શકે. આસ્થાએ મનની ભાવના છે. ત્યારે ગરબા રમવા ઉપર ભાજપની સરકારે 18 ટકા GST નાખ્યો છે. તેને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે. અને ગમે તે પ્રકારે ટેક્સ વસૂલી લેવાની ભાજપની નિમ્ન કક્ષાની માનસિકતાને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં નિંદા કરે છે. આ સાથે ગરબા એ લોક પરંપરા છે, શક્તિ-આસ્થાને ભજવાનું પર્વ છે.
ઈશ્વરને ભજવા પર ક્યારેય ટેક્સ ન હોવા જોઈએ
ઈશ્વરને ભજવા ઉપર ક્યારેય ટેક્સ હોવો જોઈએ નહીં. આ ભૂતકાળમાં પણ ક્યારેય હતો નહીં. ઈશ્વર ભાજપની સરકારને સદબુદ્ધિ આપે. 18 ટકા ટેક્સ વહેલી તકે પાછો ખેંચાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગુજરાતમાં પણ ભાજપ, કેન્દ્રમાં પણ ભાજપ, મહાનગરોમાં પણ ભાજપ, હું આશા રાખું છું કે, આ બધી જગ્યાએ જે ભાજપ છે તે બધા જ ભાજપ વાળા ભેગા મળી આ ગરબા રમવા ઉપર જે GSTનો ટેક્સ છે તે વહેલી તકે દૂર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.