ભાષાના MOU:ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને ઉન્નતિમાં ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકનનું મહત્વનું યોગદાન: મુખ્યમંત્રી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા - Divya Bhaskar
ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર માતૃભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે સમર્પિત છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ગુજરાત વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકનની આ પહેલ તેમજ ઉમદા કામગીરી બદલ બન્ને સંસ્થાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન બન્નેએ ગુજરાતી ભાષામાં કોઈએ ન કરી હોય એવી સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરી છે.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતી ભાષાની વિકાસયાત્રાનું એક મહત્વનું સાથી રહ્યું છે પણ ઝડપથી બદલાતા આ સમયમાં આધુનિક ટેકનોલોજી જરૂરત બની ગઈ છે. આવા સમયે સ્વર્ગસ્થ રતિલાલ ચંદરિયાએ ગુજરાતી લેક્સિકનની પહેલ દ્વારા આપણી ભાષાના અમૂલ્ય શબ્દભંડારને ડિજિટાઈઝ કરીને ભાષા સેવાની ધૂણી ધખાવી છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે રોબોટિક્સ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી જટિલ વિજ્ઞાનશાખાઓના જ્ઞાનને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવાના પ્રકલ્પ પણ આ બે સંસ્થાઓ સાથે મળી યોજી રહી છે, એ પણ માતૃભાષાની જાળવણી માટે સરાહનીય પ્રયાસ છે. ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારમાં ગુજરાતી લેક્સિકને પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. યુથ કોર્નર, બ્લોગ, વીડિયો અને એક્સપ્લોર ગુજરાત જેવા વિવિધ માધ્યમોથી આજની યુવા પેઢી અને ભાષા પ્રેમીઓને એક મંચ પર સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર માતૃભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે સમર્પિત છે.

બે વર્ષ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશમાં ક્રાન્તિકારી શિક્ષણનીતિ અમલમાં મૂકી છે, જેમાં માતૃભાષાના શિક્ષણ પર જ નહીં, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમની પ્રેરણાથી આપણે ગુજરાતમાં ભાષા સેવાની દિશામાં કાર્યરત રહ્યા છીએ તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, સંસ્થાઓ અને સરકારના સામુહિક પ્રયાસોથી ગુજરાતી ભાષાના ભવ્ય વારસાની જાળવણી તો થશે જ સાથે સાથે ભાષા-સંસ્કૃતિ સિદ્ધિનાં નવાં શિખરો પણ સર કરશે.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષા તેમજ જ્ઞાનની ક્ષિતિજો સતત વિસ્તરી રહે તે માટે શિક્ષણવિદો, ભાષાવિદો, શૈક્ષણિક સંસ્થાઓને પણ આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. આ અવસરે કવિ અમર ભટ્ટ દ્વારા વિવિધ કવિતાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વકોશના ટ્રસ્ટી કુમારપાળ, નીતિન શુક્લ, પ્રકાશ ભગવતી તેમજ ગુજરાતી ચંદ્રયાન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી મુકેશ શાહ, સાહિત્યકારો તેમજ ભાષા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...