અમદાવાદમાં 34 હજાર સુધીની તોતિંગ ફી વસૂલતી ગુજરાત બોર્ડની અમદાવાદ શહેરની સ્કૂલોનું ધો.10નું પરિણામ છેલ્લા ચાર વર્ષમાં 9.24 ટકા, જ્યારે ગ્રામ્યનું પરિણામ 6.79 ટકા ઘટ્યું છે. સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખે સ્વીકાર્યું કે સંચાલકો સ્કૂલોમાં ધ્યાન આપતા નથી અને શિક્ષકો સ્કૂલના શિક્ષણ કરતા ટ્યૂશન પર વધારે ધ્યાન આપતા હોવાથી પરિણામ સતત ઘટી રહ્યું છે. શિક્ષણવિદ્દના મતે વાલીઓને સ્કૂલ પર ભરોસો નથી, તેઓ માત્ર ટ્યૂશન પર નિર્ભર હોવાથી પરિણામ પર અસર થઇ રહી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સ્કૂલો કમાણીનું સાધન બની ગઈ હોવાથી લાયકાત ધરાવતા શિક્ષકોની પસંદગી થતી નથી. સ્કૂલો વચ્ચેની સ્પર્ધાને કારણે દર ત્રણ મહિને શિક્ષકો બદલાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે તાલમેલ જાળવી શકતા નથી. જેથી તેઓ ફોકસ કરી શકતા નથી. સંચાલકોને ફીથી મતલબ છે તેથી તેઓ સ્કૂલના શિક્ષણ પર ધ્યાન આપતા નથી.
અમદાવાદની અગ્રણી સ્કૂલોનું પરિણામ
દીવાન બલ્લુભાઇ, પાલડી | 66.67 |
નવયુગ હાઇસ્કૂલ | 83 |
એન.વી પટેલ | 75 |
દેવસ્ય ઇન્ટરનેશન સ્કૂલ | 93 |
સંકલ્પ ઇન્ટરનેશનલ | 94.25 |
ત્રિપદા હાઇસ્કૂલ | 97 |
મુક્તજીવન સ્કૂલ | 82 |
ચાર વર્ષનું ધો.10નું પરિણામ
વર્ષ | શહેર | ગ્રામ્ય |
2018 | 72.42 | 70.77 |
2019 | 72.45 | 70.24 |
2020 | 65.51 | 66.07 |
2022 | 63.18 | 64 |
નબળા રિઝલ્ટ માટે સંચાલકો-શિક્ષકો દોષિત
હું માનું છું કે અમદાવાદમાં શહેરી કલ્ચરને કારણે બાળકોમાં અતિ આત્મવિશ્વાસમાં છે. સૌથી મોટુ કારણ એ છે કે સ્કૂલોના સંચાલકો સ્કૂલોમાં હવે ધ્યાન આપતા નથી, શિક્ષક ભણાવવા કરતા ટ્યૂશનમાં ધ્યાન આપે છે. હવે તેમણે કાર્યશૈલી બદલવી પડશે. - ભાસ્કર પટેલ, પ્રમુખ- શાળા સંચાલક મહામંડળ
ગ્રાન્ટેડ સ્કૂલોની વધુ સંખ્યા પણ જવાબદાર
રાજકોટ-સુરત કરતાં અમદાવાદમાં ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા વધારે છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યાને કારણે પરિણામ નીચું આવે છે. જો ખાનગી અને સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોનું પરિણામ અલગ જાહેર કરાય તો અમદાવાદનું પરિણામ અન્ય શહેરો કરતાં વધશે. - કનુ પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર
વાલીઓ પણ સંપૂર્ણપણે ટ્યૂશન પર નિર્ભર
અમદાવાદમાં વાલી સ્કૂલ પર વિશ્વાસ રાખતા નથી. તેઓ ટ્યૂશનને વધારે મહત્ત્વ આપે છે. જેથી બાળક પણ અભ્યાસ પર પોતાનું ધ્યાન આપતા નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાલી બાળકોના અભ્યાસમાં જોડાય છે. પરિણામ સુધારવા માટે આ જ કલ્ચરનો વિકાસ કરવો જોઇશે. - ડો. કિરીટ જોષી, શિક્ષણવિદ્દ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.