ભરશિયાળે માવઠું:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અમદાવાદમાં, વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા, રસ્તા ભીના થયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદી છાંટાથી રસ્તાઓ ભીંજાયા. - Divya Bhaskar
વરસાદી છાંટાથી રસ્તાઓ ભીંજાયા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યાએ છાંટા પડ્યા હતા. વાદળછાંયા વાતાવરણની વચ્ચે વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. આથી રસ્તાઓ ભીના થયા હતા.

ઠંડીમાં પણ વધારો થાય તેવી શક્યતા
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે માવઠાની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. જેને લઈને ઠંડીમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.

આજે વાદળિયું વાતાવરણ, 4 દિવસ ડબલ સિઝન રહેશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. તેમાંય અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રીનો તફાવત રહેતાં દિવસ દરમિયાન લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મહત્તમ-લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રીનું અંતર
હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદના લઘુતમ તાપમાનમાં સોમવારે એકસાથે 6 ડિગ્રીનો વધારો થયો હતો. તેમજ મંગળવારે પણ લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધ્યું હતું. આમ અમદાવાદનું લઘુતમ તાપમાન બે દિવસમાં 8 ડિગ્રી વધી 21.3 ડિગ્રી પહોંચ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધી 31.5 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં બપોર પછી લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.

ઠંડીનો પારો 19થી 21 ડિગ્રી રહેવાની સંભાવના
આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ધૂપ-છાવનું વાતાવરણ રહેવાની સાથે ઠંડીનો પારો 19થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ સિઝનનો અનુભવ થવાની શક્યતા છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...