અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4004 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 143 જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી છે. જેમાં સૌથી વધુ મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં આવેલા પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટિના ચેરમેનના ધ્યાને આ બાબત આવતાં તેઓએ તાત્કાલિક અધિકારીઓને પ્લોટમાં વિઝીટ કરી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સૂચના આપી છે. જો કે કોર્પોરેશનના આવા પ્લોટમાં કમ્પાઉન્ડવોલ ન હોવાને કારણે દબાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તેમજ પશ્ચિમ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એકપણ પ્લોટમાં દબાણ ન હોવાનું કોર્પોરેશન તંત્રનો દાવો છે.
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ દાણીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક વોર્ડના ઇન્સ્પેક્ટરોને તેમના વોર્ડમાં આવેલા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં દર અઠવાડિયે એક વાર સ્થળની મુલાકાત લેવાની રહેશે અને તેની લોગ બુકમાં નોંધ કરવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આવેલા ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. સૌથી વધુ ગેરકાયદેસર દબાણ મધ્ય ઝોનમાં કરવામાં આવેલા હોવાનું તેઓએ જણાવ્યું હતું. કોર્પોરેશનના 4004 જેટલા પ્લોટમાંથી 1490 જેટલા પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવી છે જ્યારે 2050 જેટલા પ્લોટમાં વોલ બનાવાઈ નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મોટી બેદરકારીથી અસામાજિક તત્વો પ્લોટમાં દબાણ કરી અને મકાનો તેમજ ઝુંપડા બાંધી દે છે અથવા કબજો જમાવી લે છે. કોર્પોરેશન તંત્ર તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતું તેના પર મોટો સવાલ ઉભો થયો છે. જો કે આવા અસામાજિક તત્વો અને કબજો જમાવનાર લોકો સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓની જ મિલીભગત હોય છે અને સમયસર હપ્તા મળતા હોવાથી તેઓ આંખ આડા કાન કરતા હોવાથી તેઓની સામે કોઈ કાર્યવાહી થતી નથી. શુ ચાર ઝોનમાં ખુલ્લા પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ પોલીસની મદદથી આવા દૂર કરી લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ?
ક્યાં ઝોનમાં કેટલા પ્લોટમાં ગેરકાયદેસર દબાણ
મધ્ય ઝોન | 91 |
પૂર્વ ઝોન | 30 |
ઉત્તર પશ્ચિમ ઝોન | 18 |
પશ્ચિમ ઝોન | 4 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.