સુનાવણી:ગિર અભ્યારણમાં ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટની સ્થાનિક તંત્રને ટકોર, હવે પછી આ પ્રકારની ફરિયાદ લઈને આવવું નહીં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત આ પ્રવૃત્તિ ચાલતી હોવાને કારણે અરજદારે ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો

ગિરનાર અભયારણ્ય અને તેની આસપાસમાં ચાલતી ગેરકાયદેસર માઇનિંગ અને પ્રવૃત્તિને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વની નોંધ લીધી છે. થોડો સમય બંધ રહ્યા બાદ ફરીથી ગેરકાયદેસર માઇનિંગની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક તંત્રને ટકોર કરી છે કે, હવે પછી આ પ્રકારની ફરિયાદ લઈને કોઈ હાઇકોર્ટમાં આવવું ન જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે.

જૂનાગઢના ભેસાણ તાલુકામાં છોડવડી ગામ કે જે ફોરેસ્ટ રિઝર્વ વિસ્તારમાં હોવાથી ઇકો સેન્સિટીવ ઝોનમાં આવે છે. જેથી આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની માઈનિંગની પ્રવૃત્તિ થઇ ન શકે પરંતુ અહીં બેરોકટોકપણે આ પ્રવૃત્તિ ચાલતી હોવાને કારણે અરજદારે ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો. અરજદારે કરેલ જાહેર હિતની અરજીમાં ગીર અભ્યારણની આસપાસના પાંચ કિલોમીટરનો વિસ્તાર ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતો હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ તેવી માંગ કરી હતી. આ વિસ્તારમાં બ્લાસ્ટ કરીને પથ્થરો તોડવામાં આવતા હતા. જેથી અહીંના લોકો તથા વન્યજીવ સૃષ્ટિ માટે જોખમકારક હોવાથી તેના પર રોક લગાવવા માટે અરજી કરી હતી.

અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી
અરજદાર સંજય કાપડીયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અહીં અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, જોકે ફરિયાદ બાદ માઇનિંગ કરનારને 1 લાખનો દંડ પણ કરવામાં આવ્યો અને થોડો સમય તેના પર રોક જોવા મળી. જોકે સમય જતા ફરીથી તેની શરૂઆત થઈ હતી.

માઇનિંગની પ્રવૃત્તિ પર રોક લગાવવા આદેશ
આ બાબતે સ્થાનિક મામલતદારે ગુજરાત હાઈકોર્ટમાં ગેરકાયદેસર માઇનિંગની પ્રવૃત્તિ બંધ કરાવાઈ હોવાનું સોગંદનામું પણ કર્યું છે. સાથે સાથે કોર્ટે માત્ર ઇકો સેન્સિટિવ ઝોન સિવાય તેની આસપાસના વિસ્તારમાં પણ માઇનિંગની પ્રવૃત્તિ પર રોક લગાવવાનો આદેશ કર્યો છે અને ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંબધિત વિભાગોને પણ આ પ્રકારની ગેરકાયદે થતી પ્રવૃત્તિ અંગે ધ્યાન રાખવા નિર્દેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...