અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એલિસબ્રિજ વિસ્તારમાં નગરી આંખની હોસ્પિટલ પાસે આવેલ વકફ બોર્ડના કબ્રસ્તાનની જમીન પર વર્ષોથી થયેલા કબાડી માર્કેટ, મોટરકારના ગેરેજન દબાણોને આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી દઈને પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે.
વકફ બોર્ડની કબ્રસ્તાનના હેતુ માટે ફાળવાયેલી કબસ્તાનની જમીન પરઆ પ્લોટ પર ફરીથી ગેરેજ, કબાડી માર્કેટ કે અન્ય પ્રકારના દબાણો ન થાય તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરીને અંદાજે 15000 ચો.વારની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોર્ટ દ્વારા 2015માં કબ્રસ્તાનના હેતુની આ જમીનનો પ્લોટ ખાલી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. વકફ બોર્ડની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહીં, તેવો પણ કોર્ટે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, વકફ બોર્ડ દ્વારા દરવાજા કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
નગરી આંખની હોસ્પિટલ નજીક આવેલા કબ્રસ્તાનની જગ્યા માટેના પ્લોટ પર કબાડી માર્કેટ અને નાના- મોટા ગેરેજ પ્રકારના દબાણોને કારણે આસપાસના વિસ્તારોના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ દિવસમાં પ્લોટ પરથી દબાણો દૂર કરવાને કારણે આ વિસ્તારના નાગરિકો અને રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.