તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ્ટ એડિટરની કલમે:કોઈનામાંથી કંઈક શીખવું હોય તો એની સફળતા નહીં, પણ એનો સંઘર્ષ જુઓઃ મોનલ ગજ્જર

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મોનલ ગજ્જર - ગેસ્ટ એડિટર - Divya Bhaskar
મોનલ ગજ્જર - ગેસ્ટ એડિટર

જે ઘરે રહે છે, વ્યવસાય કર્યો નથી એવી સ્ત્રીઓએ પણ પોતાના કામનું ગૌરવ લેતા શીખવું પડશે... માત્ર આર્થિક પ્રદાન એ જ સમાજના ઉત્થાનનું કારણ નથી હોતું – સામાજિક, માનસિક, સંવેદના અને લાગણીનું પ્રદાન પણ એક સમાજને ઉપરની તરફ લઈ જવાનું કામ કરે છે, જે હું એક વ્યક્તિ તરીકે સતત નોંધતી રહી છું.

આ જે આપણે બધા પોતાના ઘરોમાં બેઠા છીએ અને રંગોના આ તહેવારને રસ્તા પર ઉજવવાને બદલે મનમાં ઉજવી રહ્યા છીએ. સરકારી જાહેરાત મુજબ હોળી અને ધુળેટી માટે આપણે મિત્રો અને પરિવાર સાથે એકઠા નહીં થઈ શકીએ, એ આ વર્ષની હોળીનો દુઃખદ નિર્ણય તો છે, પરંતુ આપણા સૌના અને જાહેર સ્વાસ્થ્ય માટે આ નિર્ણયનું પાલન કરવું એ આપણી ફરજ પણ છે...

મને અંગત રીતે હોળી બહુ ગમે છે. કારણ કે હોળી રંગોનો તહેવાર છે. મને રંગો સાથે પ્રેમ છે... હું મારી ફિલ્મોમાં પણ બને ત્યાં સુધી બધા રંગો પહેરવાનો પ્રયાસ કરું છું. જીવન ખૂબ બધા રંગોની બનેલી એક રંગોળી છે. આ રંગોળીમાં સારા-ખરાબ, સુખના-દુઃખના, આનંદના અને પીડાના સંતોષના અને અફસોસના રંગો ન હોય તો રંગોળી અધૂરી રહી જાય. હું એક અભિનેત્રી છું. જન્મે ગુજરાતી હોવા છતાં, અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરું છું. તમિલ, તેલુગુ, હિંદી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી વખતે મને એક વાત સમજાઈ છે, જિંદગી હંમેશાં એક સાથે વિરોધાભાસી રંગોનો સુમેળ છે. આપણે જે વિચારીએ તે ન થાય, એ પણ જિંદગીનો જ એક રંગ છે અને આપણે કદીએ ન વિચાર્યું હોય એવું કશુંક અચાનક બની જાય એ પણ જિંદગીનો રંગ છે.

એક ગુજરાતી પરિવારમાં જન્મેલી છોકરી તરીકે મેં કદી નહોતું વિચાર્યું કે, હું દક્ષિણની ફિલ્મોમાં આટલી બધી લોકપ્રિયતા પામીશ. એક તરફ મારી પાસે સાઉથની ગ્લેમરસ ફિલ્મો છે તો બીજી તરફ ગુજરાતીમાં ‘રેવા’ અને હિન્દીમાં ‘કાગઝ’ જેવી ફિલ્મો છે. આમ જોવા જઈએ તો આ પણ જિંદગીના બે રંગો જ છે ને! મેં નાનપણથી જિંદગીને અનેક સ્વરૂપે જોઈ છે. મારી આસપાસની સ્ત્રીઓનો સહકાર અને પ્રેરણા મને હંમેશાં મળતા રહ્યા છે. આ સ્ત્રીઓ એટલે મારાં દાદી, નાનીમા, મમ્મી કે અમારા પરિવારની સ્ત્રીઓ. આજે હું જે કંઈ છું, મારું અનેકરંગી વ્યક્તિત્વ જે રીતે ઉપસાવી શકી છું એમાં આ બધી સ્ત્રીઓએ પોતાના રંગો ઉમેર્યાં છે. મને બધાં જ અનુભવો સારા થયા છે એવું હું નહીં કહું, પરંતુ જિંદગીના ખોટા કે ખરાબ અનુભવોમાં પણ ક્યાંક કશુંક શીખવા મળ્યું છે.

મારી મમ્મી હંમેશાં કહેતી કે, ‘જ્યારે કંઈ ખોટું થાય, ભૂલ થાય, ગૂંચવણ ઊભી થાય કે દુઃખ થાય ત્યારે એ અનુભવમાંથી શીખેલો પાઠ ક્યારેય ભૂલવાનો નહીં.’ મેં આ વાત મારી જિંદગીમાં આગળ વધવા માટેનો મંત્ર બનાવી લીધી છે. જ્યારે મને નિરાશા થાય, કે મેં કરેલા કામનું યોગ્ય વળતર કે વખાણ ન મળે ત્યારે હું એમાંથી મારી જ અધૂરપ શોધવાનો પ્રયાસ કરું છું. કરેલી ભૂલ ફરી ન કરવી... એ મારો નિર્ણય છે.

સ્ત્રીઓએ જો જીવનમાં આગળ વધવું હોય અને મદદ માગવી હોય તો કામ માગવુ જોઈએ. જીવનમાં કામ મળી જાય તો પૈસા અને ઈજ્જત સાથે આવે છે. ઘણીવાર એવું થાય કે ભણવું હોય અને પૈસા ન હોય. મારી સાથે પણ એવું જ થયેલું. મારે પહેલા એર હોસ્ટેસ બનવું હતું. મારી મમ્મીએ કહેલું કે આપણે ઘર વેચી દઈએ, પણ મેં ના પાડી. કારણ કે મારા પપ્પા ગયા પછી અમારી પાસે માત્ર એ ઘર જ હતું. છતાં મારા સપના માટે મારી મમ્મી એ વેચવા તૈયાર થઈ ગયેલી. મારી મમ્મી એકદમ મજબૂત સ્ત્રી છે, પરંતુ એ લૉ પ્રોફાઈલ, શાંત અને સંયમિત રહે છે. મારી મમ્મી પાસેથી આ એક બહુ મોટો જ રંગ મને મળ્યો છે. હું અભિનેત્રી હોવા છતાં બહુ પબ્લિક ફિગર તરીકે વર્તતી નથી.

મને સમજાય છે કે મારું એક નોર્મલ જીવન હોવું જોઈએ. સતત ચહેરા પર મેક-અપ કે ગ્લેમરનું માસ્ક પહેરી રાખીને જીવી શકાય નહીં. આ રંગ મને મારા પિતા તરફથી મળ્યો છે. આજે આટલી બધી ફિલ્મોમાં અભિનય કરવા છતાં હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી કારણ કે, મને સમજાય છે કે જે સત્ય અને રિયલ છે તે જ ટકે છે. માણસે સાચા રહેવું જોઈએ-દરેક વખતે સાચું જ બોલી શકાતું નથી એ પણ હું સમજું છું. આજે સાચું બોલવાની કિંમત ઘણી વધુ છે. એક વ્યક્તિ તરીકે તમે જ્યારે સત્યનો આગ્રહ રાખો છો ત્યારે બીજા લોકો આપણને વેદિયા અથવા આઉટડેટેડ સમજે છે.

બે બાળકોની માનો રોલ કરવાનું (કાગઝ) નક્કી કર્યું ત્યારે મને ઘણા લોકોએ સલાહ આપી હતી કે, આ ફિલ્મ કરવાથી મારી ગ્લેમરને અને મારી કારકિર્દીને અસર થશે... આજે જોઉં છું ત્યારે સમજાય છે કે, એ ફિલ્મે મને ગ્લેમર ડોલ તરીકેની ઈમેજમાંથી બહાર કાઢી એક સારી અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત કરી છે. હિંમત કરવી એ પણ જિંદગીનો એક રંગ છે. ક્યારેક આપણે આપણને ગમતું કામ કરતાં અચકાઈએ છીએ, એમ વિચારીને કે બીજા લોકો શું વિચારશે... આપણા મનની મરજી અને આપણા વિચારોને મુક્ત રીતે વ્યક્ત કરવા એ પણ જિંદગીના અનેકમાંથી એક રંગ તરીકે જોતાં હું શીખી છું.

એક અભિનેત્રી તરીકે મને વિવિધ પાત્રો ભજવવા ગમે છે. વિવિધ કથાઓમાં જીવતી, સમાજના જુદા જુદા સ્તરમાં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી સ્ત્રીઓ વિશે જાણવું અને વાંચવું એ મારો શોખ છે. બીજાના જીવન ચરિત્રને વાંચીએ, કે જાણીએ ત્યારે સમજાય કે આપણે બધા સફળતા ઉપર કેન્દ્રિત થઈ જઈએ છીએ, પરંતુ જાણવા જેવી વાત તો સંઘર્ષમાં રહેલી છે. વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેની પાસે પોતાની સફળતાની પાછળ રહેલા ‘સંઘર્ષ’ની કથા ન હોય. સંઘર્ષ દરેક વખતે આર્થિક જ હોય એવું જરુરી નથી, કેટલીક વાર માનસિક અને સંવેદનાના સંઘર્ષમાંથી પણ માણસે પસાર થવું પડે છે. આપણી આસપાસની કેટલીય સ્ત્રીઓ પાસે આવા સંઘર્ષની કથા છે. જેમાંથી આપણે બધાં જ ઘણું બધું શીખી શકીએ એમ છીએ.

આ સ્ત્રીઓ દરેક વખતે કોઈ સફળતાને વરેલી કોઈ સેલિબ્રિટી જ હોય એવું જરુરી નથી. આપણા ઘરે કામ કરવા આવતી ડોમેસ્ટિક હેલ્પથી શરુ કરીને આપણી મમ્મી, પડોશમાં રહેતી કોઈ મમ્મી કે શાકભાજી વેચવા આવતા કોઈ બહેનની જીવન કથા પણ સાંભળવા જેવી અને એમાંથી ઘણું શીખવા જેવી હોય છે. આપણને દરેક વખતે લાગે છે કે, સફળ વ્યક્તિ પાસે જ કંઈ શીખવાનું છે, પરંતુ આપણી ફિલ્મોની કથા જોઈએ ત્યારે સમજાય કે, સાવ બિનમહત્ત્વની લાગતી કેટલીક સ્ત્રીઓએ પોતાના અસ્તિત્વને એટલું ઉજાગર કર્યું છે કે એ પોતાના સમયની મશાલ પૂરવાર થઈ છે.

આપણી ફિલ્મોની વાર્તાઓ ક્યાંથી આવે છે, જિંદગીના રંગોમાંથી... આપણે આપણી જિંદગીને કાગળ પર ઉતારીએ-કવિતા સ્વરુપે કે કથા સ્વરુપે, ત્યારે એક સર્જન આકાર લે છે. આ સર્જન સિનેમા હોય કે મમ્મીના રસોડામાં બનતું ઉત્તમ ભોજન, સ્ત્રી પાસે આ બંને છેડાની કલા વિપુલ પ્રમાણમાં હોય છે. એક ગૃહિણી પાસે એના ઘરને સાચવવાની, એના સંતાનોને ઉછેરવાની કળા છે, તો એક વ્યવસાયી સ્ત્રી પાસે એના વ્યવસાયને આગળ લઈ જવાની – બીજી સ્ત્રીઓ માટે પ્રેરણા બનવાની કળા છે. આપણે બંને તરફની સ્ત્રીઓને સરખા પ્રમાણમાં સન્માન આપવું જોઈએ કારણ કે, જે સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાના પરિવારને સાચવે છે એ સ્ત્રીઓ પણ આ સમાજમાં બહુ મોટું પ્રદાન કરે છે. જે ઘરે રહી છે, વ્યવસાય કર્યો નથી એવી સ્ત્રીઓએ પણ પોતાના કામનું ગૌરવ લેતા શીખવું પડશે... માત્ર આર્થિક પ્રદાન એ જ સમાજના ઉત્થાનનું કારણ નથી હોતું – સામાજિક, માનસિક, સંવેદના અને લાગણીનું પ્રદાન પણ એક સમાજને ઉપરની તરફ લઈ જવાનું કામ કરે છે, જે હું એક વ્યક્તિ તરીકે સતત નોંધતી રહી છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો