નવી ડિઝાઈન, નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર:જો અમદાવાદના આ પાંચ બ્રિજ નથી જોયા તો સમજો તમે અમદાવાદ જ નથી જોયું

અમદાવાદ2 મહિનો પહેલા

એક સમયે 8 દરવાજાના શહેર તરીકે જાણીતું, કોટ વિસ્તાર ફરતે દીવાલો વડે ઘેરાયેલું અમદાવાદ શહેર આજે તેના 611મા સ્થાપના દિને ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે શહેરમાં ફ્લાયઓવર્સની સંખ્યા જોઈએ તો તે એક સમયે શહેરના જેટલાં દરવાજા હતા તેના કરતાં 10 ગણાથી પણ વધારે છે. હાલ અમદાવાદ શહેરમાં 79 જેટલા ફ્લાયઓવર્સ અસ્તિત્વમાં છે અને 10 જેટલા ફ્લાયઓવર્સનું નિર્માણ કાર્ય ચાલું છે. તે સિવાય વધુ 13 ફ્લાયઓવરના પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે અને વધુ 10 ફ્લાયઓવર વિચારણા અંતર્ગત છે. ઐતિહાસિક દરવાજા માટે ઓળખાતા શહેરમાં આજે ફ્લાયઓવર્સની ભરમાર છે. ત્યારે જો તમે અમદાવાદના આ પાંચ બ્રિજ નથી જોયા તો એવું કહેવું ખોટુ નથી કે તમે અમદાવાદ જ નથી જોયું.

વસ્ત્રાલમાં લોકોએ રોડ ક્રોસ કરવા ટ્રાફિકમાંથી નહીં જવું પડે
વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ શરૂ થઈ ગયો છે. રાહદારીઓ સરળતાથી ચાલતા જઈ શકે તે માટે ચાર મીટર પહોળો પેસેજ છે. ફૂટ ઓવર બ્રિજ પરથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન જઈ શકાશે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશનથી રિંગ રોડ પણ ક્રોસ કરી શકાશે. ફૂટ ઓવરબ્રિજની ચારેય દિશામાં પગથિયાં, લિફ્ટ, એસ્કેલેટર છે. રામોલ, વટવા અને ઓઢવથી આવતા લોકો વસ્ત્રાલ ગામ તેમજ મેટ્રો સ્ટેશન પહોંચવા એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. બ્રિજને લીધે લોકોએ રોડ ક્રોસ કરવા ટ્રાફિક વચ્ચેથી નહીં જવું પડે.

અડાલજ ક્લોવર લીફ બ્રિજને ચેઇન લીન્ક ઝાળી લગાડવામાં આવશે
તાજેતરમાં જ ગાંધીનગર નજીક અડાલજ ચોકડી પર ગાંધીનગરથી સરખેજ હાઇવે અને સાબરમતીથી મહેસાણા હાઇવે પરના ક્લોવર લીફ બ્રિજને વધુ સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે. તેના અંતર્ગત બ્રિજની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવાની સાથે ફેબ્રિકેશન વર્ક કરીને ચેઇન લીન્ક ઝાળી લગાડવામાં આવશે. પરિણામે સરકારી જગ્યામાં દબાણ થવા સહિત સુરક્ષાનો પ્રશ્ન રહેશે નહીં. ઉપરાંત ચાર પાંદડીના ફૂલ જેવા આકારના આ બ્રિજની વચ્ચેના ગાળાની વિશાળ જમીન લાંબા સમયથી પડતર પડી રહી છે. આ જમીનનો ઉપયોગ થાય અને વધારાની સુવિધા ઉભી થાય તેના માટે અહીં 2.50 લાખ લીટર ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ બાંધવામાં આવશે.

વૈષ્ણૌદેવી સર્કલે ટ્રાફિક જામથી મુક્તિ મળશે
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલે એસ.જી હાઇવે અને એસપી રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાઇઓવર બન્યા બાદ હવે તથા અંડરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે, જેમાં વૈષ્ણોદેવી સર્કલ પર બનવાઈ રહેલો અંડરબ્રિજ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે. હાલમાં જ આ ચાર રસ્તા પર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 6 લેનનો ફ્લાઇઓવર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.નવા ખુલ્લા મુકાયેલા ફ્લાઇઓવરની જેમ જ આ અંડરબ્રિજ પણ 6 લેનનો હશે.

ટ્રેન વ્યવહાર બંધ કર્યા વિના જ બનાવ્યો 92 મીટર લાંબો બ્રિજ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં બે મહિના અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ વાહનો પસાર થઈ રહ્યાં છે. રૂ. 41 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.આ બ્રિજ શરૂ થઈ જતા હવે કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડશે નહીં. પશ્ચિમ રેલવેનો આ સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે.અનુપમ બ્રિજ મહત્વનો બ્રિજ છે કેમ કે પૂર્વમાં 80 ટકા રહિશો તેનો ઉપયોગ કરતાં હતાં. રિનોવેશન દરમિયાન લોકોએ એલજી પાસેના બ્રિજથી પસાર થવું પડતું હતું.

નવા 10 બ્રિજ માટે રૂ. 660 કરોડનાં ટેન્ડર પાસ કર્યા
એક તરફ છેલ્લાં પાંચ વર્ષથી છ ઓવરબ્રિજ ન બનાવી શકનાર ઔડા દ્વારા વધુ 10 ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે અને જેમાં છ જેટલાં ટેન્ડર પાસ થઈ ચૂક્યાં છે, જ્યાં સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક જંકશન પર ઝડપથી બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની જરૂર છે, એ પૂરા કરવાની જગ્યાએ ઔડા દ્વારા રૂ. 660 કરોડનો ખર્ચ કરીને બ્રિજ બનાવવા માટેનાં ટેન્ડરો પાસ કરી દેવામાં આવ્યાં છે. સમયસર બ્રિજ ના બની શકવાને કારણે સનાથલ અને શાંતિપુરા સર્કલ પર દરરોજ સાંજના સમયે હેવી ટ્રાફિકજામ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...