ડોક્ટરો કહે છે, આટલું ધ્યાન રાખજો:જો શરદી અને ખાંસી હોય તો ઘરમાં પણ માસ્ક પહેરો, બહાર બે માસ્ક પહેરીને નીકળજો, હજુ બે વર્ષ માસ્ક અને ડિસ્ટન્સિંગ જરૂરી

અમદાવાદ4 મહિનો પહેલા
આજે ગાંધીનગર ખાતે સરકારના ટાસ્કફોર્સના ડોક્ટરોએ કોરોના સામે તકેદારીનાં કેવાં પગલાં લેવા એની વાત કરી હતી. - Divya Bhaskar
આજે ગાંધીનગર ખાતે સરકારના ટાસ્કફોર્સના ડોક્ટરોએ કોરોના સામે તકેદારીનાં કેવાં પગલાં લેવા એની વાત કરી હતી.
  • પ્રજા SOPનું પાલન કરે નહીં તો સરકાર દંડનીય કાર્યવાહી કરશે: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં હાલમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્કફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ટાસ્કફોર્સના ડોક્ટરોએ કોરોનાને રોકવા માટે કયા પ્રકારની કાળજી રાખવી અને લક્ષણો જણાય તો શું કરવું જોઈએ એની જાણકારી આપી છે. ડોક્ટરોના મતે, જેને પણ શરદી અને ખાંસી હોય તેમણે ઘરમાં પણ માસ્ક પહેરવું જોઈએ અને બહાર નીકળો તો બે માસ્ક પહેરવાં જરૂરી છે. એ ઉપરાંત કોરોનાનાં લક્ષણો જણાય તેમણે જ રિપોર્ટ કરાવવો. લક્ષણો હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. હજી આગામી બે વર્ષ સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન જરૂરી હોવાનો ડોક્ટરોનો મત છે. ત્યારે અહીં રાજ્ય સરકારની ટાસ્કફોર્સમાં રહેલા ડોક્ટરોએ કોરોના અંગેની સાવચેતી માટેની સલાહ આપી છે.

ઘરમાં ઘરડા હોય તો યુવાનોએ ધ્યાન રાખવું: ડૉ. દિલીપ માવલંકર
ડૉ. દિલીપ માવલંકરે કહ્યું હતું કે કોરોના ઝડપથી ફેલાય છે અને હજી વધી રહ્યો છે. વેક્સિનેશનથી દર્દીઓને હોસ્પિટલ જતાં અટકાવી શક્યા છીએ. કોરોના વધુ ફેલાય નહીં એ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આગામી ત્રણથી ચાર સપ્તાહમાં સ્થિતિ શી છે એની ખબર પડી જશે. બિનજરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો, લક્ષણો હોય તો ઘરે જ આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. હાઈ રિસ્ક દર્દીઓ ઘરમાં જ હોય તો યુવાન લોકો એક મહિનો દૂર રહે. કો-મોર્બિડ ઘરડા હોય અને યુવાન પણ હોય તો તેમણે ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે. પ્રસંગો તો આવ્યા કરશે પણ એમાં ભીડ ના કરવી જોઈએ. આ માઇલ્ડ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેત રહેવું જરૂરી છે.

શરદી-ખાંસી હોય તો ઘરમાં પણ માસ્ક પહેરો ( પ્રતીકાત્મક તસવીર)
શરદી-ખાંસી હોય તો ઘરમાં પણ માસ્ક પહેરો ( પ્રતીકાત્મક તસવીર)

રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR કરાવવોઃ ડો. વી.એન શાહ
ઝાયડઝ હોસ્પિટલના ડો. વી.એન શાહે કહ્યું હતું કે આ વાઇરસ ગયો નથી અને જવાનો નથી. આપણે આની સાથે જીવવાનું છે. આને ફલૂ સમજવાની કોશિશ ન કરવી પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે. માસ્ક, સોશિયલ ડિસ્ટનસ અને સેનિટાઈઝેશન જરૂરી છે. હજી પણ આગામી બે વર્ષ આ જરૂરી રહેશે. જે લોકો જ ICUમાં દાખલ છે જેમણે વેક્સિન નથી લીધી. હજી બાળકોને વેક્સિન નથી મળી, જેથી આ વાઇરસને ગંભીરતાથી લો. 7 દિવસ જ આઇસોલેશન છે અને ખાલી ખાલી રિપોર્ટ ના કરાવવો. લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે લક્ષણો હોય, રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તોપણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. જ્યાં ભીડ હોય ત્યાં બે માસ્ક પહેરવાં જરૂરી છે.

દર્દીઓએ શ્વાસ ચડે તો જ હોસ્પિટલમાં દાખલ થવું: ડો. તુષાર પટેલ
ડો. તુષાર પટેલે કહ્યું હતું કે હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, 101, 102 ડીગ્રી અને બીજા દિવસે 99 થઈ જાય છે. પેરાસિટામોલ ટેબ્લેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુખાવાથી ગભરાવું નહિ. આ કેસોમાં લંગ્સમાં ઓછું ઈન્ફેક્શન થાય છે. પ્રવાહી વધારે લેવું તેમજ 4થી 5 લિટર પાણી પીવું જોઈએ. સતત તાવ અને શરદી ખાંસી થાય અને કો-મોર્બિડ હોય તેમને જ હોસ્પિટલમાં દખલ કરવા પડે છે. બહુ ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડે છે. દર્દીઓએ શ્વાસ ચડે અથવા તકલીફ પડે તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

લોકો SOPનું પાલન નહીં કરે તો સરકાર કાર્યવાહી કરશે ( ફાઈલ ફોટો)
લોકો SOPનું પાલન નહીં કરે તો સરકાર કાર્યવાહી કરશે ( ફાઈલ ફોટો)

SOPનું પાલન કરવાની જવાબદારી લોકોની છેઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી છે એવો ઉછાળો અત્યારે છે. ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. બધા નિષ્ણાત મુજબ ઓમિક્રોન માઇલ્ડ છે પરંતુ માસ્ક ન પહેરી, સોશિયલ ડિસ્ટનસ ન જાળવીએ અને વેક્સિન ના લીધી હોય તો તેનાથી સંક્રમિત થવાય.જે SOP આપી છે જેનું પ્રજાએ પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું. સેલ્ફ કિટથી જે ટેસ્ટ કરે છે, તેની માહિતી અમારી પાસે નથી આવતી.