અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટની શનિવારથી અમલવારી શરૂ કરશે. જે મુજબ 70થી વધુ સ્પીડે વાહન દોડાવનાર ચાલક પહેલીવાર પકડાશે તો રૂ.2 હજાર, બીજીવાર પકડાશે રૂ.4 હજાર અને તે પછી પકડાશે તો 6 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. તેવું ટ્રાફિક જેસીપી મંયકસિંહ ચાવડાનું કહેવું છે. જો કે, આ અમલવારી કેવી રીતે કરાશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ પોલીસનો દાવો છે કે, સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. પણ એસજી હાઈવે પરના એકપણ બ્રિજ પર સીસીટીવી દેખાતા નથી. ત્યારે કેવી રીતે ઓવરસ્પીડિંગવાળા વાહનોને પકડવામાં આવશે તે એક પ્રશ્ન છે. અગાઉ પણ સ્પીડ ગનથી એસજી હાઈવે પર વાહનચાલકોને પકડવાનો પ્રયાસ થયો હતો જે નિષ્ફળ નીવડ્યો હતો.
પોલીસના કહેવા મુજબ હાલ એસજી હાઈવે પર પ્રાયોગિક ધોરણે દંડની અમલવારી શરૂ કરવામાં આવી છે તે પછી શહેરના સંભવિત અકસ્માત ઝોન બની ગયેલા રસ્તાઓ પર પણ આનો અમલ કરાશે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટ મુજબ આ 8 રસ્તાઓ પીક અવર્સ દરમિયાન જોખમી હોય છે. જેમાં એસજી હાઈવે, સરખેજ, જેતલપુર, ઓઢવ, નારોલ અને રામોલનો સમાવેશ થયા છે. રિપોર્ટ મુજબ શહેરમાં થતાં કુલ એક્સિડેન્ટમાંથી 30 ટકા એક્સિડેન્ટ આ રસ્તા પર નોંધાયા છે.
ગુનાનો પ્રકાર | પહેલી વખત દંડની રકમ | બીજી વખત નિયમ ભંગનો દંડ |
70થી વધુ સ્પીડે વાહન ચલાવવું | ટુ-થ્રી વ્હીલર રૂ.1500 | ટુ-થ્રી વ્હીલર રૂ.2000 |
કાર રૂ.2000 | કાર રૂ.3000 | |
હેવી વ્હીકલ રૂ.4000 | હેવી વ્હીકલ 6 માસ લાઈસન્સ સસ્પેન્ડ | |
ભયજનક રીતે વાહન ચલાવવું | ટુ-થ્રી વ્હીલર રૂ.1500 | ટુ-થ્રી વ્હીલર રૂ.1500 |
કાર રૂ.3000 | કાર રૂ.3000 | |
અન્ય વ્હીકલ રૂ.5000 | અન્ય વ્હીકલ રૂ.5000 | |
વાહન ચલાવવા માનસિક અથવા શારીરિક અનફિટ | રૂ.1000 | રૂ.2000 |
લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવાશે
ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં વાહન ચલાવવા અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં જ છે. આ દિશામાં એસજી હાઇવે પર સ્પીડ ગન ઇન્સ્ટોલ કરી દેવાઈ છે. જેને લઈને 70 કિમી પ્રતિકલાકની ઉપર વાહન હંકારનારા સામે કાર્યવાહી અથવા લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અમલ કરવામાં આવી રહ્યો છે. - મયંકસિંહ ચાવડા, સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.