રથયાત્રા કાઢવા મુદ્દે રાજ્ય સરકાર હજુ નિર્ણય કરી શકતી નથી, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા કાઢવા મુદ્દે કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. વીએચપીના અશોક રાવલે કહ્યું હતું કે સરકાર રથયાત્રા નહીં કાઢે તો વીએચપીને રથયાત્રા કાઢતા કોઈ રોકી શકશે નહીં. બુધવારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેરના પ્રમુખ પાલડીસ્થિત વણિકર ભવન ખાતે વીએચપીના કાર્યકર્તાઓને મળ્યા હતા. મુલાકાત દરમિયાન રથયાત્રા અને શહેરમાં અશાંતધારાનો અમલ નહીં થતો હોવાનો મુદ્દો ઊઠ્યો હતો.
અશોક રાવલે ઉમેર્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વીએચપી કાર્યાલય પર મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે શહેરમાં કોઈપણ સંજોગોમાં નિયમો સાથે પણ રથયાત્રા નીકળવી જોઈએ. લોકોની ભીડ અટકાવવાની જરૂર લાગે તો કર્ફ્યૂ નાખવામાં આવે પણ ફકત 50 ખલાસી સાથે રથયાત્રા નીકળે, રથયાત્રામાં હાથી-ઘોડા, ભજન મંડળી કે, ટ્રક નહીં હોય તો ચાલશે, પણ ભગવાનની રથયાત્રા નીકળવી જ જોઈએ. જો સરકાર રથયાત્રા ના કાઢી શકતી હોય તો વીએચપી રથયાત્રા કાઢવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે.
બુધવારની બેઠકમાં વર્ષા ફ્લેટનો મુદ્દો પણ ચર્ચાયો હતો. એ મુદ્દે કોર્પોરેશના હોદ્દેદારોએ ત્વરિત ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરિષદના જણાવ્યા મુજબ વર્ષા ફ્લેટ જેવી શહેરમાં બીજી પણ ઘણી સાઈટો છે, જ્યાં અશાંતધારાનો અમલ થઈ રહ્યો નથી. શહેરમાં વિધર્મીઓને રહેવા માટે મકાનો આપવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર વિધર્મીઓ કબજો પણ કરી રહ્યા છે, ત્યારે સરકાર અને પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.