અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ વસૂલ કરાશે. સામાન્ય નાગરિક માસ્ક ન પહેરે તો પોલીસ રૂ.1 હજાર દંડ વસૂલે છે. ત્યારે રૂ.200 દંડનો નિર્ણય કેવી રીતે લઈ શકાય.
કોરોના ગાઇડલાઇનનું પાલન થશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશઇ બારોટ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન વલ્લભભાઇ પટેલે જાહેરાત કરી હતી કે, સોમવારે 7 જૂનથી એએમટીએસ અને બીઆરટીએસ સેવા ફરી શરૂ થશે. જો કે, બસમાં પેસેન્જરની ક્ષમતા 50 ટકા રખાશે અને બસની સંખ્યા પણ 50 ટકા જ રહેશે. બસ સેવા સવારે 6થી રાત્રે 8 સુધી જ ચાલુ રાખવામાં આવશે. તમામ કર્મચારી જ્યારે પણ હાજર થાય ત્યારે તેને શરદી-ખાંસી કે તાવ નથી તેની તપાસ કરાશે. થર્મલ ગનથી તેનું તાપમાન પણ માપવામાં આવશે. એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે અલગ અલગ જગ્યાએ અધિકારી-સુપરવાઇઝરની ટીમ તથા વિજિલન્સની ટીમ પણ કાર્યરત રહેશે.
તમામ કર્મચારીઓને આ નિયમ લાગુ
બીઆરટીએસની તમામ બસો ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર છે તેમજ તેના કર્મચારીઓ પણ આ ખાનગી કંપનીના જ છે. એએમટીએસની પણ મોટાભાગની બસો ખાનગી કોન્ટ્રાક્ટરની છે ત્યારે તેના કર્મચારીઓ પણ ખાનગી કોન્ટ્રાક્ટરના પે રોલ પર છે. ત્યારે રૂ. 200 જ દંડનો મહત્તમ લાભ આ કર્મચારીઓને મળશે.
પેસેન્જર-બસની સંખ્યા 50 ટકા રખાશે
BRTS કોરિડોરમાં ઘૂસવા પર પ્રતિબંધ
બીઆરટીએસ સેવા બંધ હોવાથી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને પણ પ્રવેશની મંજૂરી આપી હતી. જોકે આગામી સોમવારથી બીઆરટીએસ સેવા ફરીથી કાર્યરત થવાને કારણે હવે આ રૂટમાં ખાનગી વાહનના પ્રવેશ સામે દંડનીય કાર્યવાહી પણ થઇ શકશે.
રોજે રોજ બસ સેનિટાઈઝ કરવા નિર્ણય
તમામ બસોની સીટ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવાના સ્ટિકર લગાવાશે. પ્રતિદિન બસને સંપૂર્ણ સેનિટાઈઝ કરાશે. કર્મચારીઓ હાજરીના સમયે, રિશેષમાં તેમજ ફરજથી છૂટવાના સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે મોનિટરિંગ વ્યવસ્થા કરાશે. ડેપો-ટર્મિનસની ઓફિસ રોજ સેનેટાઇઝ થાય તેવી વ્યવસ્થા કરાશે.
મ્યુનિ. સરકારની ઉપરવટ જઈ નિર્ણય કરે છે
અમદાવાદ મ્યુનિ.માં અનેક નિર્ણયો રાજ્ય સરકારના નિયમની ઉપરવટ લેવાતા હોવાનું લાગે છે. અગાઉ 108થી જ દર્દીને દાખલ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારની નિર્ણયની ઉપરવટ હતો. રાજ્ય સરકારે માસ્ક વગરના લોકો પાસેથી 1 હજાર વસૂલવાનો નિયમ બનાવ્યો છે, ત્યારે મ્યુનિ.એ રૂ.200 દંડનો નિયમ કેવી રીતે ઘડ્યો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.