રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે, કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વ્યક્તિના બંને ડોઝ લે, તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. કોરોના વેક્સિન લેવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. કોર્પોરેશને પોલીસને લિસ્ટ પણ સોંપી દીધું છે.
પોલીસવાન દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે
કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેમને જાણ કરવા માટે અમદાવાદ પોલીસની મદદ લીધી છે. જેના માટે અંદાજે 6 લાખ લોકોનું લિસ્ટ પોલીસને આપવામાં આવ્યું છે. જેઓને પોલીસ ફોન કરી વેક્સિન લેવા જાણ કરશે. ઉપરાંત પોલીસવાન દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે.
સ્થાનિક પોલીસ ફોન કરશે
જેણે બીજો ડોઝ નથી લીધો તેને જે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોન કરી અને વેક્સિનનો બીજો ડોઝ લઇ લો તેવું જણાવવામાં આવશે. અમદાવાદમાં આશરે 6 લાખથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.
કોર્પોરેશન ફોન કરીને જાણ કરતું, પણ લોકો માનતા નહીં
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવતી હતી, આમ છતાં પણ અનેક લોકોએ વેક્સિન લીધી ન હતી. જેથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને ડરાવી વેક્સિન લેવાં માટે જાણ કરવાની હોય તેમ અમદાવાદ પોલીસને કામ આપી દીધું છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોનું લિસ્ટ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે અને હવે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં બેસીને આવા વ્યક્તિઓને ફોન કરવાના રહેશે.
પોલીસ પર કામનું ભારણ વધશે
કોર્પોરેશન દ્વારા હવે આ કામ પોલીસને સોંપવામાં આવતા પોલીસ પર કામનું ભારણ વધી જશે. એક તરફ પોલીસને કાયદો અને વ્યવસ્થાનાની જાળવણી કરવાની હોય છે. બીજીતરફ રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના વીવીઆઇપી બંદોબસ્તમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અત્યારે છે જેના કારણે પોલીસ સ્ટેશનમાં પણ સ્ટાફ ઓછો છે ત્યારે હવે વધુ એક કામનું ભારણ પોલીસ પર આવી જશે જેના કારણે પોલીસને કામ વધી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.