રેશમા પટેલનો હાર્દિકને પત્ર:અમે ભાજપમાં ગયાં તો તમને ખૂબ ખોટું લાગ્યું હતું, અમારી આકરી ટીકાઓ કરી હતી, હવે ભાજપનાં વખાણ કયા મોઢે કરો છો?

અમદાવાદએક મહિનો પહેલા
  • અમે જે ભૂતકાળમાં ભાજપ પર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતાઃ રેશમા પટેલ

છેલ્લા એકાદ મહિનાથી હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હતા અને તેઓ ભાજપમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી, પરંતુ તેમણે અચાનક કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ સામે ભડાશ કાઢી હતી. તેમણે કોંગ્રેસને ગુજરાતવિરોધી કહીને ભાજપનાં વખાણ કર્યાં હતા. ત્યાર બાદ જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલને જવાબ આપ્યો હતો, પરંતુ બીજી બાજુ હાર્દિક પટેલે ભાજપનાં વખાણ કરતાં પાટીદાર આંદોલન સમિતિનાં પૂર્વ નેતા અને NCP લીડર રેશમા પટેલે હાર્દિક પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં એવું લખ્યું છે કે જ્યારે અમે ભાજપમાં જોડાયાં ત્યારે તમને ખૂબ ખોટું લાગ્યું હતું. એ સમયે તમે અમારા પર આકરા શબ્દો બોલ્યા હતાં અને હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તમે ભાજપના કયા મોઢે વખાણ કરી રહ્યા છો?

વરુણ પટેલનું ટ્વીટઃ 'ભાજપ ભાઈને સ્વીકારે એવું લાગતું નથી'
હાર્દિક પટેલના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !

કોંગ્રેસ અને હાર્દિક બંનેને મનોમંથનની જરૂર:અલ્પેશ કથીરિયા
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે આ બાબતે મારે એવું માનવું છે કે કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ બંને વચ્ચે સંવાદ અને સંકલનમાં ઘણીબધી ખામીઓ સર્જાઈ છે અને ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી નારાજગીની વાતો ચાલુ હતી, પરંતુ હાલમાં જે પ્રક્રિયા સર્જાઈ છે અને વાતાવરણ સર્જાયું છે, કોંગ્રેસ પક્ષમાં તેમની જવાબદારી હોવા છતાં પણ પક્ષમાં જે માન-સન્માનની બાબત હોય, સિક્યોરિટીની બાબત હોય કે પક્ષ તેમને કામગીરી ન આપતો હોય તેવાં કારણો તેમના તરફથી ઊભા થયાં છે અને ત્યાર બાદ તેમણે નિર્ણય જાહેર કર્યો છે, એટલે હાર્દિકભાઈએ પણ હવે મનોમંથનની જરૂર છે અને કોંગ્રેસ પક્ષમાં પણ રાજીનામાનો દોર શરૂ થયો છે. એ બાબતે તેમને પણ મનોમંથનની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...