દૂધ પીતા પહેલાં આટલું કરો:લમ્પી વાયરસ હોય તેવા પશુનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય ? આવો જાણીએ શું કહે છે એક્સપર્ટ્સ

22 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી

પશુઓમાં લમ્પી રોગ વકરી રહ્યો છે અને તેના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. પણ મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે જે પશુને લમ્પી વાયરસ લાગૂ પડ્યો હોય તેનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય ? આ સવાલનો જવાબ આણંદ કામધેનૂ યુનિવર્સિટીના એક્સપર્ટ્સે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આપ્યા.

શું કહે છે એક્સપર્ટ્સ
આણંદની કામધેનૂ યુનિવર્સિટીના વેટરનરી માઈક્રોબાયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રફીયુદ્દીન માથકિયા કહે છે, અમે પશુઓમાં થતા તમામ રોગનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીએ છીએ. લમ્પી વાયરસનો પણ અભ્યાસ કર્યો. પણ આજ સુધી એવી કોઈ વાત ધ્યાનમાં નથી આવી કે વાયરસ ગ્રસ્ત પશુનું દૂધ પીવાથી માણસને કોઈ અસર થઈ હોય. હજુ સુધી ભારતમાં કે ગુજરાતમાં કોઈ એવો કેસ સામે નથી આવ્યો.
ડો. રફીયુદ્દીન માથકિયાએ કહ્યું કે, આપણે દૂધ લાવીએ છીએ કે આપણે ત્યાં દૂધ આવે છે તે બે રીતે આવે છે. એક પ્લાસ્ટિકના પાઉચમાં પેક્ડ દૂધ હોય છે અને બીજું ડેરીમાંથી છુટક દૂધ આવે છે. પાઉચમાં જે દૂધ આવે છે તે પેશ્ચુરાઈઝ કરાયેલું હોય છે. એટલે તેમાં ઓલરેડી જીવાણુઓનો નાશ થઈ ગયો હોય છે. જ્યારે છુટક ડેરીમાંથી જે દૂધ આવે છે તે સીધું ન પીવું જોઈએ. ફરજિયાત દૂધ ગરમ કરીને જ પીવું જોઈએ. દૂધ ગરમ કરો એટલે તેમાં રહેલા જીવાણુંઓનો નાશ થઈ જાય છે.

લમ્પી રોગ નવો નથી, 2019થી છે
અત્યારે આપણને દૂધાળા પશુઓને લઈને જાતજાતના સવાલો થાય છે પણ લમ્પી રોગ કાંઈ આજકાલનો નથી. આ અંગે વિગતો આપતાં આણંદ કામધેનૂ યુનિવર્સિટીના પશુપાલન વિભાગના નિયામક ડો. સ્નેહલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, લમ્પી વાયરસ એ આજકાલ આવેલો રોગ નથી. ભારતમાં 19 નવેમ્બર 2019માં પહેલો કેસ ઓરિસ્સામાં નોંધાયો હતો અને પછી ધીમેધીમે બીજા રાજ્યોમાં ફેલાયો. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને સંખ્યાબંધ પશુઓ અસરગ્રસ્ત થયા હતા, પણ એ વખતે કોઈ માણસમાં પશુનું દૂધ પીવાથી કોઈ અસર થઈ હોય તેવું નોંધાયું નથી. એટલે રોગ ગ્રસ્ત પશુનું દૂધ પીવામાં આવી જાય તો પણ માણસને અસર થતી નથી એવું મહારાષ્ટ્રના ઉદાહરણ પરથી સમજી શકાય છે.

બહારના મિલ્ક શેઈક પીવાનું ટાળો
સામાન્ય રીતે બહાર કોલ્ડડ્રીંક્સની દુકાનમાં કાચું દૂધ વધારે વપરાય છે અને આ જ દૂધનો મિલ્ક શેઈક બને છે. માટે કાચું દૂધ પીવાનું ટાળો અને બહાર મિલ્ક શેઈક પીવાનું પણ ટાળો. ઘરમાં જે દૂધ આવે છે તેને ભૂલ્યા વગર ગરમ કરવાનું રાખો. ખાસ કરીને બાળકોને ગરમ કરેલું દૂધ જ આપો. ગરમ કરેલા દૂધમાં જીવાણું નાશ પામે છે.

અન્ય સમાચારો પણ છે...