નબળો વિપક્ષ કે મજબૂત ભાજપ:ગુજરાતમાં જો આવુંને આવું રહ્યું તો આગામી વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપ 150 નહીં 160 બેઠકો જીતી જશે, માત્ર નામનો વિપક્ષ રહી જશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોંગ્રેસમાં સંગઠન કે પ્રદેશ પ્રમુખના પણ ઠેકાણા નથી
  • અમદાવાદમાં સાત મહિનાથી વિપક્ષના નેતાની પસંદગી થઈ શકી નથી

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું છેલ્લા દોઢ વર્ષથી પ્રદર્શન સતત નબળું થઈ રહ્યું છે, તેની સામે ભાજપ સંગઠન તથા ચૂંટણીમાં પ્રદર્શનની દ્રષ્ટિએ વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરની અસરના પગલે ભાજપે હાલમાં જ સમગ્ર સરકારને બદલી નાખી. તેમ છતાં ગાંધીનગરમાં 44માંથી 41 બેઠકો પર જીત મળી. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સુરત સિવાય અન્ય ચૂંટણીમાં જોઈએ તેવું પ્રદર્શ કરી શકી નથી. એવામાં જો આવુંને આવું રહેશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150 નહીં 160 બેઠકો પણ જીતી જાય તો નવાઈ નહીં.

ગાંધીનગરમાં 44માંથી 41 બેઠકમાં ભાજપની જીત
ગાંધીનગરમાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવ્યા. જેમાં ભાજપે 44માંથી 41 બેઠક જીતીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેનો રકાસ કાઢી નાખ્યો. ગાંધીનગર મહાનગર પાલિકા હવે વિપક્ષ વિનાની રહી જશે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સૌથી મજબૂત વિપક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસનું પ્રદર્શન મરણ પથારીએ દેખાઈ રહી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો નબળું પરિણામ રહ્યું હતું.

અમદાવાદ મનપામાં 7 મહિનાથી વિરોધ પક્ષના નેતા નથી
અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 25 બેઠકો જીતીને બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ 7 મહિનામાં પણ વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ નથી કરી શકી. બીજી તરફ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં તો કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું અને આમ આદમી પાર્ટી 27 બેઠકો સાથે બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે ભાજપ કોરોનાની મહામારીમાં કામગીરી તથા પાટીદારોની નારાજગી છતાં મજબૂત પક્ષ બની રહ્યો છે.

સુરતમાં કોંગ્રેસના સૂપડા સાફ
ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 6 મહાનગર પાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર નજર કરીએ તો, અમદાવાદમાં 25 સીટ, સુરતમાં 0 સીટ, વડોદરામાં 7 સીટ, રાજકોટમાં 4 સીટ, જામનગરમાં 11 સીટ, ભાવનગરમાં 8 સીટ મળી હતી. જ્યારે સુરતમાં પહેલીવાર ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ 27 સીટો મેળવી હતી. અમદાવાદમાં પણ નવી પાર્ટી AIMIMએ 7 સીટો મેળવી. જામનગરમાં BSPના ઉમેદવારોએ 3 સીટો પર જીત મેળવી હતી.

ભાજપનો 228 બેઠકોમાંથી 175 પર કબજો
ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામા સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામાં સફળ રહી છે. ગાંધીનગર મનપા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે તો ભાણવ઼ડ નગરપાલિકા કૉંગ્રેસે કબજે કરી છે.