હાઈકોર્ટનો AMCને સવાલ:સોસાયટી કે એપાર્ટમેન્ટમાં ડ્રેનેજ લાઈન જ નથી, તો તેને બાંધકામની પરવાનગી કેવી રીતે આપી?

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • હાંસોલ, સરદારનગર અને મોટેરાની કેટલીક સોસાયટીઓનું ગેરકાયદેસર રીતે મેગા પાઈપલાઈનમાં જોડાણ

ગુજરાત હાઇકોર્ટે સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે સુઓમોટો અરજીની સુનાવણીમાં ફરી એકવાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ જે સોસાયટીઓ પોતાનું દૂષિત પાણી નદીમાં છોડે છે, તે અંગે કોર્પોરેશનને સવાલ કર્યો કે, આ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં ડ્રેનેજ લાઈન જ નથી, તો તેને બાંધકામની પરવાનગી કેવી રીતે આપવામાં આવી!

શહેરની મધ્યમાં ઔદ્યોગિત એકમો અંગે હાઇકોર્ટે ચિંતા દર્શાવી
સુનાવણી દરમિયાન જોઇન્ટ ટાસ્ક ફોર્સને ઈન્ડસ્ટ્રી દ્વારા છોડવામાં આવતા પાણીના નિકાલ અંગે સૂચનો પૂછવામાં આવ્યા, ત્યારે ટેન્કર મારફતે તેમના પાણીના નિકાલનો વિકલ્પ હોવાનું કહેવામાં આવ્યું. પરંતુ પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં હોય જેથી તે પડકારજનક હોવાનું ટાસ્ક ફોર્સે કહ્યું. જેને લઇને કોર્ટે કહ્યું કે, ભલેને હોય, પ્રદૂષિત પાણીના કારણે નુકસાન પણ મોટું થયું છે ને.. પાણીને પ્રદુષિત કરનાર લોકો જ તેના નિકાલ માટેની વ્યવસ્થા માટે ચૂકવે. સાથે જ જસ્ટિસ પારડીવાલાએ પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો શહેરની મધ્યમાં હોવાની વાત અંગે પણ ચિંતા વ્યક્ત કરી, સાથે જ તેમને એકાએક અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ કહ્યું.

સિનિયર પર્યાવરણ અધિકારીને સસ્પેન્ડ કરવા કોર્ટની ટકોર
સુનાવણી દરમિયાન પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક કંપનીને એબોવ સ્ટાન્ડર્ડ એફલૂએન્ટ AMCની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમમાં ડિસ્ચાર્જ કરવા મંજૂરી અપાઈ હોવાનું સામે આવતા કોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. અને ટકોર કરી કે GPCB ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકાય, તેઓ પ્રદુષણ અંગે મહેનત કરી રહ્યા છે અને બીજી તરફ આ પરવાનગી અપાઈ છે! જેને આ મંજૂરી આપી છે, એ સિનિયર પર્યાવરણ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પણ કોર્ટે ટકોર કરી છે.

દૂષિત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી ચાલું રાખવા કહ્યું
જોઈન્ટ ટાસ્ક ફોર્સ કમિટીએ અમદાવાદ શહેરના હાંસોલ, સરદારનગર અને મોટેરા વિસ્તારના કેટલાક હિસ્સા શોધ્યા છે કે જ્યાંની સોસાયટીઓ ગેરકાયદેસર રીતે મેગા પાઈપલાઈનમાં જોડાણ ધરાવે છે. જે અંગે કોર્ટે કહ્યું કે, આ જોડાણ તાત્કાલિક ધોરણે કાપી નાખવામાં આવે. ઉપરાંત કોર્ટે ફરી એકવાર કોર્પોરેશનને સખ્તાઇ પૂર્વક દૂષિત પાણી નદીમાં છોડતા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી ચાલુ રાખવા કહ્યું.

ડીપ સી પ્રોજેક્ટની વિગતો એફિડેવિટથી ફાઈલ કરવા કહ્યું
એડવોકેટ જનરલ પણ આ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા. તેમને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું કે, મેગા પાઇપલાઇન એથોરિટીને પ્રદૂષિત પાણી સીધું દરિયામાં છોડવા માટેની ડીપ સી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે, જોકે હજુ સુધી તે અંગેની કાર્યવાહની શરૂ નથી કરાઈ તે પરંતુ આગામી દિવસોમાં તે શરૂ થશે. આ મામલે કોર્ટે આગામી સુનાવણીમાં પ્રોજેક્ટ અંગે વિગતો બાબતે એફિડેવિટ ફાઇલ કરવા માટે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...