હવે આ બધું બંધ કરવું પડશે:ગુજરાતમાં કોરોનાને રોકવા જો રેલી-ઉજવણીઓ પર પ્રતિબંધ નહીં લાગે તો 5 હજારનો આંકડો 50 હજારે પહોંચશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 35 દિવસમાં અનેક સરકારી તેમજ અન્ય ઈવેન્ટ યોજવામાં આવી હતી
  • હાલમાં ગણતરીના જ જિલ્લા એવા બાકી હશે, જ્યાં કોરોનાના કેસ નહીં નોંધાતા હોય

ગુજરાતમાં ડિસેમ્બર એન્ડથી જ કોરોના વિસ્ફોટક ગતિએ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલાં માત્ર 30-40 કેસ આવતા હતા, એ હવે 5-5 હજારે પહોંચ્યા છે. સંક્રમણ અટકાવવા માટે સરકાર અનેક કડક નિયમો બનાવી રહી છે તેમજ રાત્રિ કર્ફ્યૂમાં વધારા સહિત નવી ગાઈડલાઈન્સમાં પણ ફેરફાર થયા છે. જોકે બીજી તરફ હજારોની સંખ્યા સાથે ઉજવણીઓ પણ હજુ ચાલુ જ છે. ગઈકાલે જ સોમનાથમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આમ, છેલ્લા 35 દિવસમાં કોરોના મહામારી વચ્ચે અનેક સરકારી તેમજ અન્ય ઈવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા, જેને કારણે હવે સ્થિતિ એવી છે કે માત્ર ગણતરીના જ જિલ્લા એવા બાકી છે, જ્યાં કોરોનાના કેસ નહીં નોંધાયા હોય. ખાસ કરીને અમદાવાદ અને સુરતની સૌથી ગંભીર સ્થિતિ છે.

મેરેથોનમાં હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.
મેરેથોનમાં હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.

9 જાન્યુઆરી 2022: કોરોના વિસ્ફોટ વચ્ચે વેરાવળમાં મેરેથોન
રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. કોરોના અને ઓમિક્રોનના કેસનો આંકડો દરરોજ વધી રહ્યો છે, ત્યારે ભાજપના પદાધિકારીઓએ વધુ એક વખત કોરોના ગાઇડલાઇન્સના સરેઆમ ધજાગરા ઉડાડ્યા છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં હજારો સ્પર્ધકો અને નાગરિકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. કોવિડની ગાઈડલાઇન્સના લીરેલીરા ઊડ્યા હતા. આ મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચૂડાસમા, જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઊડ્યા હતા.

એક્ઝિબિશન હોલ અંદાજે 2 હજાર જેટલા લોકો ઊમટી પડ્યાં હતા.
એક્ઝિબિશન હોલ અંદાજે 2 હજાર જેટલા લોકો ઊમટી પડ્યાં હતા.

6 જાન્યુઆરી 2022: અમદાવાદ સાયન્સસિટીમાં 'મેગા ઈવેન્ટ'
રાજ્યમાં 1 જાન્યુઆરીથી વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સરકારે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાની જાહેરાત તો કરી, પરંતુ એની સામે બીજી તરફ 4 દિવસ પહેલાં સાયન્સસિટી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનના નામે ભીડ ભેગી કરી હતી. બે દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ન માત્ર ગુજરાત, પરંતુ અન્ય રાજ્ય અને ઓસ્ટ્રેલિયા કેનેડા, યુકે સહિત વિદેશના ડેલિગેટ પણ ભાગ લેવા આવ્યા હતા. કોન્ફરન્સના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. એક્ઝિબિશન હોલ અને જમવાના સ્થળ પર લોકોનાં ટોળેટોળાં જોવા મળ્યાં હતાં. આ ઈવેન્ટમાં અંદાજે 2 હજાર જેટલા લોકો ઊમટી પડ્યા હતા.

સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો તેમજ હજારો લોકોની ભીડ પણ ઊમટી પડી હતી
સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો તેમજ હજારો લોકોની ભીડ પણ ઊમટી પડી હતી

5 જાન્યુઆરી 2022: અમદાવાદ રિવરફ્રન્ટમાં 'આશીર્વાદ મેળો'
ગત 5 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્યકાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો તેમજ હજારો લોકોની ભીડ પણ ઊમટી પડી હતી. આ સમારોહ બાદ અનેક લોકો કોરોના પોઝિટિવ પણ થયા હતા.

મુખ્યમંત્રીની રેલીમાં 100 ગાડી અને 1000 બાઇકચાલક પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીની રેલીમાં 100 ગાડી અને 1000 બાઇકચાલક પણ જોડાયા હતા.

1 જાન્યુઆરી 2022: રાજકોટમાં સીએમનો રોડ શો
રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. રોડ શો દોઢ કિમી લાંબો હતો અને મુખ્યમંત્રીની સાથે 100 ગાડી અને 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.

બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.
બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.

28 ડિસેમ્બર 2021: બોટાદમાં ક્રિકેટ મેચમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા
ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. 28 ડિસેમ્બરના રોજ બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા. મેચમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. નવાઈની વાત એ પણ છે જે ઊમટેલી હજારોની ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાઇરલ કર્યો હતો.

સુરતમાં નદી ઉત્સવના કાર્યક્રમમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા.
સુરતમાં નદી ઉત્સવના કાર્યક્રમમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા.

26 ડિસેમ્બર 2021: સુરતના નદી ઉત્સવમાં ગાઈડલાઈન્સનો ભંગ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સવારે રાજ્યવ્યાપી ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાઇક્લોથોન સ્પર્ધાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. સુરતમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા કોરોના ગાઈડલાઈન્સ અને માસ્ક પહેરવાની અપીલની અવગણના થતી હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સહિતના તમામ નેતાઓ નદી ઉત્સવના કાર્યક્રમમાં માસ્ક વિના નજરે પડ્યા હતા, સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એ દિવસ બાદ સુરતમાં ઓમિક્રોનના બે કેસ સહિત ગુજરાતમાં 49 કેસ નોંધાયા હતા અને આજે અમદાવાદ બાદ સુરતમાં કોરોના સંક્રમણ સૌથી વધારે છે.

અન્ય સમાચારો પણ છે...