વાલીમંડળની ચીમકી:અમદાવાદમાં વિવાદોમાં ફસાયેલી DPS ઈસ્ટ સ્કૂલને માન્યતા આપવામાં પ્રાથમિક નિયામક કચેરીથી ગેરરીતી થશે તો હાઈકોર્ટમાં અરજી કરાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી અપીલ સંદર્ભે કામગીરી શરૂ કરાઈ

અમદાવાદમાં DPS ઈસ્ટ સ્કૂલ વિવાદોમાં ફસાઈ છે. આ સ્કૂલે માન્યતા રદ થતાં ફરીવાર માન્યતા મેળવવા માટે અરજી કરી છે. ગાંધીનગર પ્રાથમિક નિયામક કચેરીમાંથી આ સ્કૂલને એક સપ્તાહમાં માન્યતા મળે તેવી શક્યતાઓ છે. ત્યારે આ સ્કૂલને માન્યતા આપવામાં ગેરરીતી થશે તો વાલીમંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં સ્કૂલની માન્યતા મેળવવાની અપીલ ગાંધીનગર ખાતેની નિયમકની કચેરીમાં છે. આ સ્કૂલ એક સપ્તાહમાં ફરી શરૂ થાય તેવી સંભાવનાઓ છે.

વાલી મંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, DPS ઈસ્ટને અગાઉ માન્યતા આપવામાં આવી હતી ત્યારે જે ડોક્યુમેન્ટના આધારે માન્યતા આપવામાં આવી હોય તે જ ડોક્યુમેન્ટના આધારે ફરીવાર માન્યતા આપી શકાય નહીં. શિક્ષણ વિભાગના નિયમ મુજબના તમામ ડોક્યુમેન્ટ હોય તો જ સ્કૂલને મંજુરી આપવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સ્કૂલને અગાઉ મંજુરી આપી હતી તેમાં ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં માન્યતા આપવામાં આવી હતી. માન્યતા રદ થતાં સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ફરીથી માન્યતા મેળવવા સ્કૂલ તરફથી અરજી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીથી ખોટી રીતે મંજુરી આપવામાં આવશે તો વાલી મંડળ હાઈકોર્ટમાં જશે અને સ્કુલ તથા મંજુરી આપનાર સામે હાઈકોર્ટમાં અરજી કરશે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ

નવી અરજી કરીને માન્યતા મેળવવા પ્રયત્ન કરાયો
અગાઉ સ્કૂલની માન્યતા રદ કર્યા બાદ સ્કૂલ તરફથી નવી અરજી કરીને માન્યતા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા માન્યતા માટે કરવામાં આવેલી અરજી રદ કરવામાં આવી હતી. જેથી હવે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં અરજી કરવામાં આવી છે. અરજી કર્યાના ત્રણેક મહિના જેટલો સમય વીત્યો છે. છતાં નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ વાલીઓએ ગત અઠવાડિયે જ રજુઆત કરી હતી. જેથી હવે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી અપીલ સંદર્ભે કામગીરી શરૂ કરવામાં આવી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આગામી અઠવાડિયામાં ફરીથી DPS ઇસ્ટ સ્કૂલ શરૂ થશે
શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં DPS ઈસ્ટને માન્યતા મળશે.અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નવી માન્યતા માટેની અરજી પણ રદ કરવામાં આવી હતી પરંતુ અત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં છે જેથી તેને એક અઠવાડિયામાં કાગળની પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી આપવામાં આવશે.આગામી અઠવાડિયામાં ફરીથી DPS ઇસ્ટ સ્કૂલ માન્યતા બાદ શરૂ થશે.