આજે સુસાઇડ પ્રિવેન્શન ડે:સમસ્યા છે તો ઉકેલ છે જ, આત્મહત્યા કોઈ હલ નથી; આર્થિક કે સામાજિક કારણોથી આત્મહત્યા કરવા પ્રેરાયેલા લોકોની સલાહ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અત્યારે લોકો ખુબ જ ઝડપથી હારી જાય છે અને આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ જતા હોય છે. લોકો એ ભુલી જાય છે કે, મનુષ્ય જીવન ખુજ જ મૂલ્યવાન હોય છે. તેમણે ભરેલું આત્મહત્યાનું પગલું પોતાના પરિવાર માટે ખુબ જ દુ:ખ દાયક હોય છે.

આપઘાતનો વિચાર આવે તો પહેલા મા-બાપનો વિચાર કરવો
પ્રેમમાં નિષ્ફળ ગયેલી સુખી પરિવારની 23 વર્ષની યુવતીને વારંવાર આપઘાતના વિચાર આવતા હતા. એક દિવસ આપઘાત કરવાની તૈયારી કરી લીધી ત્યાં શિક્ષકે કહેલી એક વાત આવી કે, જ્યારે પણ મનમાં નકારાત્મક વિચાર આવે ત્યારે સૌથી પહેલાં આપણે માતા-પિતાનો વિચાર કરવો. અંતે યુવતી આત્મહત્યાના રસ્તેથી પાછી ફરી. પરિવારને પણ સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે પરિવારે એક થઈ મનોચિકિત્સકનો સંપર્ક કર્યો. આ યુવતીનું કહેવું છે કે, જિંદગી કેટલી મહત્ત્વની છે તે બદલાયેલા જીવન પછી જાણી શકાયું.

જિંદગીનું મહત્ત્વ બદલાયેલા જીવન પછી સમજમાં આવ્યું
19 વર્ષની યુવતીને એક્ટિંગની દુનિયામાં નામ કરવું હતું. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ અને વીડિયોને અઢળક લાઇક મળતી અને ફોલોઅર્સ પણ ખૂબ હતા. થોડા સમય પછી આ બધું બંધ થયું. યુવતીએ સ્વપ્ન તૂટતું જોઈ એક દિવસ હાથ પર બ્લેડના 20થી 25 ઘા મારી દીધા. તેને મરી જવાના જ વિચાર આવતા હતા. પરિવારે સમજાવીને વાત બહાર કઢાવી. અંતે નકારાત્મક વિચારોમાંથી તેને બહાર લાવવા મનોચિકિત્સક પાસે લઈ જવાઈ. યુવતીનું કહેવું છે કે, આજે તે નવા જીવનનો આનંદ માણે છે.

મનુષ્ય જીવન એકવાર મળતું હોવાનું મોડે મોડે સમજાયું
સંયુક્ત પરિવારમાં રહેતા 52 વર્ષના એક પુરુષ ફેક્ટરીમાં પિતા અને ભાઈ સાથે કામ કરતા હતા. આધેડને સતત એવું લાગતું હતું કે, તેમની અવગણના થઈ રહી છે. ધીમે ધીમે તેમણે ફેક્ટરીએ જવાનું બંધ કર્યું અને નશાના રવાડે ચઢ્યા. ઘરમાં એકલા બેસી હંમેશાં આત્મહત્યાના વિચારો કરતા હતા. એક દિવસ પત્નીના નામે ચિઠ્ઠી લખી કે, મને માફ કરજે. પત્નીએ રોક્યા અને વાત જાણી. પરિવારે સાથે બેસી ચર્ચાથી પ્રશ્ન ઉકેલ્યો. આધેડનું કહેવું છે, મનુષ્ય જીવન એકવાર મળે છે તેની કિંમત મોડે મોડે સમજાઈ.

આવા વિચારથી ચેતજો

  • દુખની લાગણી અનુભવાય.
  • રડવું આવે, કોઈ પોતાનું ના લાગે, કંઈ જ ગમે નહીં, ચીડિયાપણું થાય.
  • ભૂખ અને ઊંઘમાં ફેરફાર જોવા મળે.
  • ભાગી જવું છે, મરી જવું છે તેવાં વિચારો સતત આવે અને બોલબોલ કરે.

સલાહ જરૂરથી લેજો

  • વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા વિચારો જણાવવા.
  • મિત્રો કે જે કોઈ તમારી નજીક હોય તેના સંપર્કમાં વારંવાર રહેવું.
  • સમસ્યાનો એક નહીં તો બીજો ઉકેલ તો મળશે જ, જીવન અમૂલ્ય છે.

(સિનિયર સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી)

અન્ય સમાચારો પણ છે...