દર્દીઓ માટે સુવિધા:બ્રેઈન સ્ટ્રોક આવે તો હવે તાત્કાલિક સારવાર મળશે, અમદાવાદમાં સ્ટ્રોક એમ્બ્યુલન્સ લોન્ચ કરાઈ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર ઇમરજન્સી જેમાં દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે ત્યારે અમદાવાદની મરેન્ગો સિમ્સ હોસ્પિટલે સ્ટ્રોકથી દર્દીઓનું જીવન બચાવવા માટે સૌથી મહત્વની એવી સ્ટ્રોક એમ્બ્યુલન્સ લોન્ચ કરી રહી છે. જે દર્દીને બ્રેઇન સ્ટ્રોક આવે છે તેના માટે સૌથી પહેલા ચાર કલાક એ ગોલ્ડન ટાઈમ કહેવામાં આવે છે. તે સમય દરમિયાન જો તેને તાત્કાલિક સારવાર મળી જાય તો દર્દી ની ઘણી બધી રિકવરી થઈ શકે છે જેથી દર્દીને તમામ પ્રકારની બ્રેઇન સ્ટ્રોક અંગેની સારવાર મળી રહે તેના માટે આ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે.

સ્ટ્રોકના 60 ટકા દર્દીઓ ભારતમાં છે
આ એમ્બ્યુલન્સ વાહન એસીએલએસ સપોર્ટ, વેન્ટિલેટર અને એસીએલએસ તાલીમ પ્રાપ્ત મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, એટેન્ડન્ટ અને ડ્રાઈવરથી સજ્જ હશે. દર્દી સુધી પહોંચવાનો ટર્નઅરાઉન્ડ સમય માત્ર 15 મિનિટનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. દરરોજ સ્ટ્રોકના આશરે 4,000 કેસો નોંધાય છે અને બેથી ત્રણ ટકાથી વધુની સારવાર કરવામાં આવતી નથી. હાલમાં વિશ્વભરમાં સ્ટ્રોકના 60 ટકા દર્દીઓ ભારતમાં છે. દર ચારમાંથી એક ભારતીય સ્ટ્રોકના લક્ષણોથી વાકેફ છે. ગુજરાતમાં આશરે દર મહિને 18,000 બ્રેઈન સ્ટ્રોકના કેસો નોંધાય છે. અભ્યાસો દર્શાવે છે કે સ્ટ્રોક ખામીયુક્ત જીવનશૈલી, સ્થૂળતા, અતિશય જંક ફૂડનું સેવન, હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ શુગર, હાઈ કોલેસ્ટ્રોલ અને આલ્કોહોલ અને ધૂમ્રપાનના વધુ પડતા સેવન સાથે સંકળાયેલી બીમારી છે.

મગજને સતત લોહીના પ્રવાહની જરૂર હોય છે
સ્ટ્રોક અથવા બ્રેઈન સ્ટ્રોક એ એવી સ્થિતિ છે જ્યારે મગજમાં લોહી વહેતું બંધ થઈ જાય છે, જેના કારણે કટોકટી સર્જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને સ્ટ્રોક આવે છે ત્યારે દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક સેકન્ડ નિર્ણાયક છે. સમય તાત્કાલિક અને કિંમતી છે કારણ કે સ્ટ્રોકના પરિણામે મગજની પેશીઓ અને લાખો ચેતાકોષો ક્ષીણ થવા લાગે છે. મગજને સતત લોહીના પ્રવાહની જરૂર હોય છે અને જ્યારે આ પ્રવાહમાં વિક્ષેપ આવે છે ત્યારે ટૂંકા ગાળામાં મગજના કોષો રક્ત અથવા ઓક્સિજન વિના મૃત્યુ પામે છે. આ શારીરિક કાર્યોને અસર કરે છે અને વ્યક્તિ શરીરના કોઈ ભાગ અથવા ભાગોને હલાવવા, બોલવા, ખાવું, યાદ રાખવું અથવા વિચારવું, શરીરનું આંતરિક નિયંત્રણ જેમ કે મૂત્રાશય અને ઘણી બધી ક્ષમતાઓ જેવી ઘણી વસ્તુઓ કરી શકતો નથી.

વહેલી સારવાર જ આ રોગ અને મૃત્યુદર ઘટાડી શકે
મરેન્ગો સિમ્સ હોસ્પિટલ ખાતે સ્ટ્રોક પ્રોગ્રામના હેડ ડો. મુકેશ શર્માએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એમ મનાય છે કે સ્ટ્રોક મોટી ઉંમરની લોકોમાં જોવા મળે છે પરંતુ તેનાથી વિપરિત હવે નાની વયના લોકોમાં સ્ટ્રોકની સમસ્યાઓ વધી રહી છે અને વહેલી તકે ઈમર્જન્સી મેડિકલ સારવાર મેળવવામાં થતા વિલંબને કારણે દર્દી અકાળે જીવ ગુમાવે છે. માત્રને માત્ર વહેલી સારવાર જ આ રોગ અને મૃત્યુદર ઘટાડી શકે છે. સ્ટ્રોકના લક્ષણોને ઓળખવાની જાગૃતિ વધારવા માટે ગોલ્ડન અવર અંગે જાગૃતતા વધારીએ. રિફ્રેશ્ડ પ્રોટોકોલ રજૂ કરવાના અમારા પ્રયાસો મેડિકલ રિસ્પોન્સ અને સપોર્ટ ફંક્શનન્સના રિસ્પોન્સને મજબૂત કરવાના છે.

મોતની સંખ્યા ઘટાડવા માટેનો આ એક પ્રયાસ
એક મેટ્રિક્સ પણ બનાવવાનું પણ છે જેમાં દર્દી અથવા એટેન્ડન્ટ સરળતાથી મેડિકલ હેલ્પ મેળવી શકે અને અમે વધુને વધુ કાયમી વિકલાંગતાઓ અને આ સંજોગોને લીધે ગુમાવેલા જીવનને બચાવી શકીએ. મરેન્ગો સિમ્સના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે માનવ શરીરની વળતી લડત આપવાની ક્ષમતા હંમેશા આશ્ચર્યજનક હકીકત બની રહેશે પરંતુ ત્યાં હંમેશા અવરોધો અને સંજોગો હોય છે જેને આપણે વધુ જીવન બચાવવાના અમારા મિશનમાં દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. સ્ટ્રોક એમ્બ્યુલન્સની શરૂઆત સાથે અમે જાગૃતિના અભાવ અને તેના પરિણામ તરીકે સમયસર પગલાં લેવામાં શિથિલતાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને ઘટાડવા માટે ઝડપી પ્રતિસાદની સેવાઓનો વિસ્તાર કરવાની આશા રાખીએ છીએ.

ગુજરાતમાં દરરોજ સ્ટ્રોકના 600 કેસ નોંધાય છે
મરેન્ગો એશિયા હેલ્થકેરના ફાઉન્ડિંગ મેમ્બર, એમડી અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 15 લાખ સ્ટ્રોક કેસો જોવા મળે છે, જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. સંશોધન દર્શાવે છે કે ગુજરાતમાં દરરોજ સ્ટ્રોકના 600 કેસ નોંધાય છે, જેમાંના લગભગ 20% કેસો 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં છે. "પેશન્ટ ફર્સ્ટ" ના અમારા દ્રષ્ટિકોણમાં, દરેક જીવન મહત્વપૂર્ણ છે, દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. આ અંગે ન્યૂરોફિઝિશિયન્સ ડો. મુકેશ શર્મા, ડો. કેવલ ચાંગડિયા અને ડો. ધ્રૂમિલ શાહ સાથે ન્યૂરોસર્જન્સ ડો. પરિમલ ત્રિપાઠી, ડો. વાય સી શાહ, ડો. દેવેન ઝવેરી, ડો. ટી કે બી ગણપતિ, ડો. સંદીપ શાહ અને ડો. જયુન શાહે એક સેશન યોજીને વધુ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...