પાલડી પાસે રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બાયોડાયવર્સિટી પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાયોડાયવર્સિટી પાર્કના વૃક્ષો સૂકાઈ ન જાય તે માટે સાબરમતી નદીમાં બારોબાર પાણીની લાઈન નાખી દર બે દિવસે મ્યુનિ. 1 લાખ લિટર પાણી ખેંચી લે છે. આ પાર્કમાં રોજનું 1.30 લાખ લિટર પાણી આપવામાં આવે છે. પરંતુ ઉનાળામાં વૃક્ષો સૂકાઈ જવાની બીકે મ્યુનિ. નદીમાં પાઈપ મૂકીને મોટર દ્વારા પાણી ખેંચે છે. જ્યારે બોર દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે. મ્યુનિ. નદીમાથી પાણીની પાઈપલાઈન ખેંચી લીધી છે. જે કોઈને દેખાય નહીં તે માટે તેના પર માટીનો બમ્પ બનાવી દીધો છે.
આ પાર્કમાં 170 પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાંથી 134 પ્રજાતિ લુપ્ત થતી વૃક્ષોની છે. પાર્કમાં કપૂર, અંજીર, રીઠા, કૈલાશપતિ, રક્તચંદન, સીસમ, રુખડો, ચરોલી, ઢવ, ખીજડો, ખેર, પિલખન જેવી વનસ્પતિનું વાવેતર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી વાવેલા વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા 30 ગણી વધુ છે અને 10 ગણી ઝડપી વધે છે. તેમાં 30-40 પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય. બે વર્ષમાં આ વૃક્ષો સ્વાવલંબી બને છે.
જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ કહ્યું કે, બગીચાઓમાં નર્મદાનું શુદ્ધ પાણી વાપરવાને બદલે મ્યુનિ. એસટીપી પ્લાન્ટનું શુદ્ધ કરેલું પાણી વાપરી શકાયું હોત. પણ જે રીતે હાઈકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવિટમાં મ્યુનિ. ખુલ્લી પડી ગઈ છે કે, એસટીપી પ્લાન્ટમાં ઉદ્યોગોના કેમિકલના કારણે પાણી શુદ્ધ થઈ શકતું નથી. તેને કારણે એસટીપીના પાણીના બદલે મ્યુનિ.એ સાબરમતીના પાણીનો ઉપયોગ કરવો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.