નવી શિક્ષણનીતિનું એનાલિસિસ:ધો.10-12ના બોર્ડ પરિણામથી અસંતોષ હશે તો બે તક મળશે, પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી એ અંગે શિક્ષણ વિભાગ જ મૂંઝવણમાં

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

શિક્ષણક્ષેત્રમાં સુધારો કરવા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી છે અને આ નીતિનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણનીતિ મુજબ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા યથાવત્ જ રહેશે, પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે એ માટે પરીક્ષા આપવાની બે તક આપવામાં આવશે. આ બે તક આપવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ તક કેવી રીતે આપશે એનો વિસ્તારપૂર્વક કોઈ ઉલ્લેખ નથી. એને લઈને નિષ્ણાત શિક્ષકો અને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મુકાયો છે કે પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી?

અનેક વિષયોમાંથી બોર્ડના વિષયો પસંદ કરી શકશે
રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ કરવાનો શરૂ કરવામાં આવ્યો છે અને બોર્ડની પરીક્ષા અંગે પણ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ જ રહેશે. બોર્ડ પરીક્ષાના માળખાની પણ રચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનાં હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડના વિષયો પસંદ કરી શકશે. બોર્ડ પરીક્ષાઓમાં વર્ષ બગડવાના સંકટને દૂર કરવા માટે બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, જેમાં એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા પરીક્ષાનો સમાવેશ થાય છે.

પરિપત્રમાં સ્પષ્ટતા જ નથી
ગુજરાત બોર્ડ દ્વારા આ પરિપત્ર તો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં આ પરીક્ષા કેવી રીતે યોજવી એ અંગે મૂંઝવણ છે, કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ તમામ વિદ્યાર્થી બે વખત પરીક્ષા આપી શકશે અને એ પણ શાળાકીય વર્ષ દરમિયાન. હાલ માર્ચ મહિનામાં મુખ્ય પરીક્ષા તો યોજાયા બાદ નાપાસ થનારા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાય છે, તો સુધારણા પરીક્ષા ક્યારે યોજવી એ અંગે કોઈ ઉલ્લેખ ના કરતાં ગુજરાતના શિક્ષણ વિભાગ મૂંઝવણમાં મુકાયો છે.

ગુજરાત યુનિ.માં પ્રયોગ સફળ થશે તો ધો.10-12માં લાગુ કરાશે
તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થી એક વખત પરીક્ષા આપ્યા બાદ પરિણામથી અસંતુષ્ટ હોય તો તે માર્કશીટ જમા કરાવીને ફરીથી પરીક્ષા આપી શકશે. આ પદ્ધતિમાં જે માર્કશીટમાં વધુ માર્ક્સ હશે એ માન્ય રાખવામાં આવશે તો એ પ્રમાણે ગુજરાત બોર્ડની પણ પરીક્ષા લેવામાં આવશે. અત્યારે ઉચ્ચ શિક્ષણ માટે નિર્ણય કરવામાં આવ્યો છે, એ બાદ સફળતા મળશે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે નિર્ણય કરાશે.

બેવાર બોર્ડ પરીક્ષા લેવામાં આવે તો નુકસાન થઈ શકેઃ શિક્ષણવિદ
શિક્ષણવિદના જણાવ્યા અનુસાર, બે વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવે તો એનાથી નુકસાન થઈ શકે છે. મુખ્ય પરીક્ષા દર વર્ષે માર્ચમાં યોજાય છે, એનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં આવી જાય છે. એ બાદ બીજી સુધારણા પરીક્ષા લેવામાં આવે તો જૂન મહિનામાં પરીક્ષા યોજાય અને જુલાઈ અથવા ઓગસ્ટ સુધી પરિણામ આવે તો વિદ્યાર્થીઓના આગળના અભ્યાસમાં વિલંબ થઈ શકે છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ક્યારે યોજવી તે પ્રશ્ન ઊભો જ રહેશે.

કેન્દ્રની માર્ગદર્શિકા અનુસરી પરીક્ષા યોજાશેઃ શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રોજગારે જણાવ્યું હતું કે અત્યારે તો મુખ્ય પરીક્ષા માર્ચ મહિનામાં અને પૂરક પરીક્ષા યોજાય છે, એ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે. નવી શિક્ષણનીતિમાં ઉલ્લેખ છે એ પ્રમાણે પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી સુધારણા પરીક્ષા માટે જે માર્ગદર્શિકા મળશે એ પ્રમાણે અનુસરીને પરીક્ષા યોજાશે, ત્યાં સુધી જૂની પદ્ધતિ મુજબ પરીક્ષા યોજાશે.