એક્સક્લૂઝિવ:કેમ્પ હનુમાન મંદિર ખસેડવા સામે હાઈકોર્ટમાં અરજી,અરજદારે કહ્યું-જો રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બને તો અહીંથી મંદિર ખસેડવાની વાત કેમ?

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ફેઝ-2 તરફ ખસેડવા હિલચાલ
  • મંદિર અન્ય જગ્યાએ ખસેડવા સામે પંકજ ભટ્ટની હાઈકોર્ટમાં અરજી
  • ભક્તોની લાગણી ન દુભાય તે માટે આ મંદિર અહીં જ રાખવું જોઇએઃ અરજદાર

અમદાવાદ શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં વર્ષોથી કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. કેન્ટોનમેન્ટ બોર્ડએ પોતાના વિસ્તારમાં આ મંદિર માટે જમીન ફાળવેલી છે અને વર્ષોથી લાખો શ્રધ્ધાળુઓ આ મંદિરે દર્શન કરવા માટે આવે છે. ત્યારે હવે આ મંદિરને રિવરફ્રન્ટ ફેઝ-2 તરફ ખસેડવામાં આવે તેવો એક નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે હજી તેમાં પણ રિવરફ્રન્ટ ફેઝ-2 તરફના આર્મી કેન્ટોનમેન્ટ વિભાગમાંથી મંજૂરી આવવાની બાકી છે. પરંતુ આ મંદિર ખસેડવાના વિવાદને લઈને ભક્તોમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી દેખાઈ રહી છે.

જો કે આ મામલે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ મંદિર ખસેડવાના નિર્ણય સામે હાઇકોર્ટ પણ અરજી કરવામાં આવી છે. આ અરજી પર આગામી સમયમાં સુનાવણી થશે.

જો રામ મંદિર અયોધ્યામાં જ બની શકે તો હનુમાનજીનુ મંદિર અહીં કેમ નહીં?
કેમ્પ હનુમાન મંદિરને ખસેડવાના નિર્ણય સામે હાઇકોર્ટ અરજી કરનાર પંકજભાઈ ભટ્ટએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી એક જ રજુઆત છે ઈ.સ.1800ની સાલનું સ્વયંભુ મંદિર છે, અને 200 વર્ષથી આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહી ભગવાન પ્રગટ થયા હતા, એટલે ભક્તોની લાગણી ન દુભાય તે માટે આ મંદિર અહીં જ રાખવું જોઇએ. આ મંદિરના ભારત સરકાર સાથે પણ એગ્રીમેન્ટ થયેલા છે અને અંગ્રેજોના શાસનકાળથી આ મંદિર અહીં છે.

જો આ મંદિરને લઈને ટ્રાફિકની સમસ્યાની વાત કરતા હોય તો હું શહેરના 50 જુના મંદિર બતાવું. શું તેને ખસેડવામાં આવશે..? જો રામ મંદિર અયોધ્યામાં જ બની શકતું હોય તે જગ્યાનું મહત્વ હોય તો આ હનુમાનજીનુ મંદિર અહીં કેમ ન રહી શકે?આટલા વર્ષોથી તકલીફ ન હતી અને હવે ખસેડવાની વાત?

હાઈકોર્ટમાં અરજી કરનારા પંકજ ભટ્ટ
હાઈકોર્ટમાં અરજી કરનારા પંકજ ભટ્ટ

તમામ લોકોની સંમતિથી એક પ્રપોઝલ મુકીઃ પ્રમુખ ટ્રસ્ટી
કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ આ બાબત પ્રાથમિક તબક્કે છે, હજી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મંદિરના 7 ટ્રસ્ટીઓ છે, જેમાં આ મંદિરના પૂર્વજોના પરિવારના 2 સભ્યો, 1 પૂજારી પરિવારના સભ્ય અને બાકીના અલગ સભ્યો છે. તમામ લોકોની સંમતિથી એક પ્રપોઝલ મુકી છે. તેનો કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ મંદિરનો ઇતિહાસ અલગ છે, પરંતુ લોકોને તે બાબતે ગેરસમજ થઈ હોય. તેમજ અમે હજી સંમત થઈને લેટર આપ્યો છે, એમાં અમે ઉલ્લેખ કર્યો છે કે ફેઝ-2માં જો મંદિર ખસેડવામાં આવે તો અમને માલિકીની જગ્યા મળે અને પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ થાય. હાલ આ બાબત પર વધુ કહેવું ઉચિત નથી. હજી કોઈ નિર્ણય લેવાયો નથી અને સૌને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

2010માં કેમ્પ હનુમાન મંદિરના દર્શને ગયેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
2010માં કેમ્પ હનુમાન મંદિરના દર્શને ગયેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક મંદિર
ચૈત્ર મહિનામાં આવતી સુદ પુનમને હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. અમદાવાદ શહેરમાં હનુમાનજીના બે મોટાં મંદિરો આવેલા છે. જેમાં સાંરગપુર હનુમાન મંદિર અને બીજું કેમ્પ હનુમાન મંદિર છે. કેમ્પ હનુમાન મંદિર ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક ગણાય છે. આ મંદિરનું બાંધકામ 100 વર્ષ પહેલા પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયથી બાંધવામાં આવેલા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવતા હોય છે. 100 વર્ષ જૂના આ મંદિરના પ્રાગટ્ય અને હનુમાનજીની મૂર્તિને અનુલક્ષીને કેટલાંક દ્રષ્ટાંતોનો ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે.

2016માં કેમ્પ હનુમાન મંદિરના દર્શને પહોંચેલા તત્કાલીન મુખ્યમંત્રી આનંદબહેન પટેલ
2016માં કેમ્પ હનુમાન મંદિરના દર્શને પહોંચેલા તત્કાલીન મુખ્યમંત્રી આનંદબહેન પટેલ

ઈતિહાસઃ અંગ્રેજ અમલદારે મંદિર ખસેડવા વાત કરી હતી
અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતુ. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પુજારીઓએ ઈન્કાર કર્યો.

મંદિર તોડવા હુકમ કરતા અંગ્રેજોને પરચો મળ્યો હતો
અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડ્યા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજુરો પર જ હુમલો કરતા હતા.

અંગ્રેજ અમલદારે પણ નિર્ણય બદલવો પડ્યો હતો
આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડ્યો કે આ મંદિર હવે અહીં જ રહેશે. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતાં હતાં અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.

અન્ય સમાચારો પણ છે...