AHNAની ચીમકી:અમદાવાદમાં 400 હોસ્પિટલોના 'સી' ફોર્મ રિન્યુઅલ મુદ્દે નિરાકરણ નહીં આવે તો 14 મેના રોજ તમામ હોસ્પિટલ, ક્લિનિક બંધ

અમદાવાદ22 દિવસ પહેલા
આહનાની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • સમસ્યા મુદ્દે નિરાકરણ લાવવા AHNA દ્વારા સરકાર અને કોર્પોરેશનને એક અઠવાડિયાનો સમય અપાયો
  • 2021થી 'સી' ફોર્મ રિન્યુઅલ માટે બી.યુ ફરજિયાત કરાતા આ નિયમ દૂર કરવાની માગણી

અમદાવાદ શહેરમાં 400 જેટલી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ (રજિસ્ટ્રેશન) રિન્યુઅલ મુદ્દે આજે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (AHNA) દ્વારા પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે અમે સરકાર અને કોર્પોરેશનને રજુઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે ગાંધીનગર રજુઆત કરી હતી તેઓએ કહ્યું હતું કે, તમારો મુદ્દો અમને ખ્યાલ છે પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી. જો આગામી શુક્રવાર સુધી આ મુદ્દે નિર્ણય નહીં લેવાય તો 14 મેના રોજ અમદાવાદમાં તમામ હોસ્પિટલો, લેબોરેટરી સહિતની સુવિધાઓ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત રેલી, ધરણા , “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

શહેરની 400 હોસ્પિટલોનું સી ફોર્મ રીન્યુઅલ બાકી
AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, 2014 પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યા છે. સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે 400 હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે. નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જો આ નિયમ રહેશે તો આગળ જતાં 900 હોસ્પિટલ બંધ થશે. એટલે કે 50 ટકા હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે.

2021થી સી ફોર્મ રીન્યુઅલ માટે બીયુ પરમિશન ફરજિયાત કરાઈ
AHNA ના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, આટલી મોટી સંખ્યામાં એક સાથે ‘સી’ ફોર્મ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ 1959થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવેલ છે અને તેમનું સી' ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. 2021 ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન, સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફિકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી. આ ઉપરાંત બી.યુ.ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.

બીયુ પરમિશનનો નિયમ દૂર કરવા માંગ
અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજીસ્ટ્રેશનની જરૂર નથી. રેસ્ટોરેન્ટ્સ માટે પણ આ નિયમને કોરાણે મુકી મંજૂરી આપવામાં આવી છે. ફક્ત નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને જ આ કાયદો કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? અમને અમારા ‘સી’ ફોર્મ રીન્યુ કરી આપવામાં આવે એવી અમારી માગણી છે. આ બાબતે અમે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રાજય સરકારને અસંખ્ય વાર રજુઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી નિવારણ આવ્યું નથી.

સી ફોર્મ શું છે અને વિવાદ કેમ થયો?
સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. જેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ રીતે સી ફોર્મ ઈશ્યુ કરાય છે
હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-1949ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે. મ્યુનિ. એ જે તે સમયે આપેલી નોટિસમાં 42 હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...