પેપર લીકના આક્ષેપ પર ખુલાસો:વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોય તો કોંગ્રેસ તેના પુરાવા લોકો સામે રજૂ કરે: જીતુ વાઘાણી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
  • માછલી પાણી વગર તરફડે તેમ કોંગ્રેસ સત્તા વગર તરફડે છે: વાઘાણી

પેપર લીકના આક્ષેપ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસને પડકાર કર્યો છે કે, વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી ગયું એવો વિપક્ષ આક્ષેપ કરતો હોય તો તેને આના આધાર પૂરાવાઓ લોકો સમક્ષ રજુ કરવા જોઇએ. “પોતે ફુટેલા હોય એમને બીજા ફૂટેલા જ લાગે”, ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર ખોટા આક્ષેપો મુકનારી કોંગ્રેસ સત્તા વિના બેબાકળી બની ગઇ છે. પાણી વિના તરફડતી માછલીની જેમ કોંગ્રેસ તરફડે છે, પરંતુ ગુજરાતની જનતા-જનાર્દન 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપાનું સમર્થન કરશે એવો મક્કમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

જીતુ વાઘાણીએ વનરક્ષક પરીક્ષાના સંદર્ભમાં વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની અને વિધાનસભા ગૃહમાં કરેલા દેખાવોની આકરી આલોચના કરી હતી. તેમણે ઉમેર્યું કે, ગઇકાલે વનરક્ષકની પરીક્ષા યોજાઇ તેનું પેપર ફૂટ્યું નથી, એ કોપી કેસ-ચોરીનો કેસ છે. પેપર ફૂટ્યાની કોઇ માહિતી અમને મળી નથી. કોંગ્રેસ પાસે હોય તો રજુ કરે તો તે દિશામાં પણ અમે નક્કર પગલા ભરવા કટિબદ્ધ છીએ.

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ કેસમાં જે લોકોની સંડોવણી છે તેમની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકરી કલમો લગાવી જામીન પણ ન મળે તેવી કડક કાર્યવાહી સાથે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને સખત સજા માટે સુચનાઓ આપી છે. ભૂતકાળમાં પણ જ્યારે આવી ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે ત્યારે સરકારે સખત પગલા લીધા જ છે. કોંગ્રેસીઓના શાસનમાં તો નોકરીઓમાં સગાવાદ ભાઇ-ભતીજાવાદ ચાલતો.

વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના હાથમાં રાજ્યનું સુકાન આવ્યું ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો પારદર્શી પદ્ધતિએ લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ વગેરે યોજીને યોગ્ય લાયકાતના આધારે જ નોકરીની તકો આપતી આવી છે. રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાત દેશનું હબ છે.

અન્ય સમાચારો પણ છે...