ગુજરાતમાં સ્કૂલોમાં ધોરણ 6થી 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ધોરણ 1થી 5માં હજુ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે કોરોનાના કેસ ખૂબ જ ઓછા હોવાથી હવે ધોરણ 1થી 5ના વર્ષ શરૂ કરવા શિક્ષકોએ માગણી કરી છે. આગામી દિવસોમાં શિક્ષકો દ્વારા શિક્ષણમંત્રીને મળીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ, ત્રીજી લહેરના ડરને કારણે હજુ પણ વાલીઓ બાળકોને સ્કૂલે મોકવા કે નહીં એની મૂંઝવણમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા મ્યુનિસિપલ શિક્ષકો વતી સરકાર પાસે શાળા શરૂ કરવા માગણી કરવામાં આવી છે. ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવામાં આવે. જે પ્રમાણે ધોરણ 6થી 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે અને એમાં કોઈ મુશ્કેલી આવી નથી એ જ રીતે ધોરણ 1થી 5ના વર્ગ પણ નિયમો સાથે ખોલવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. કેસ ઘટતાં તહેવારોમાં પણ મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે હવે સ્કૂલમાં પણ મંજૂરી આપવામાં આવે.
ધો.1-2માં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓએ હજુ સ્કૂલ જોઈ નથી
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે ધોરણ 1 અને 2માં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓએ તો હજુ સ્કૂલ કેવી છે એ પણ જોઈ નથી. ચોમાસામાં શેરી શિક્ષણ પણ મુશ્કેલ બન્યું છે, માટે ધો.1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવે એ જરૂરી છે. કોરોના હવે નહિવત છે, નવરાત્રિ, ગણેશોત્સવ, મેળાવડાને છૂટછાટ આપવામાં આવી છે તો એજ્યુકેશન ક્ષેત્રે સરકારે વિચારણા કરીને ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા જોઈએ.
2 સપ્ટેમ્બરથી ધોરણ-6થી 8ની ઓફલાઈન સ્કૂલ શરૂ થઈ હતી
છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીની પ્રથમ લહેરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને માત્ર એકાદ માસમાં જ શાળાઓને બંધ કરવાની ફરજ પડી હતી. જોકે હાલમાં કોરોનાની બીજી લહેરની મંદ સ્થિતિને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં ધોરણ-9થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓનાં દ્વાર ખોલાયાં હતાં. હવે ત્રીજા તબક્કામાં અપર પ્રાઇમરી ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. જોકે ગત વર્ષ કરતાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્યના શિક્ષણ વિભાગે એસઓપીમાં ફેરફાર કરીને 50 ટકા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાનો નિયમ બનાવ્યો છે.
વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતા અચકાય છે
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ, સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે, જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાનાં બાળકને સ્કૂલે ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.