ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિયેશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિયેશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પુછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે. જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે.
જંત્રી વધારવી જ જોઈએ પણ સમયમર્યાદા આપો - અમદાવાદ બિલ્ડર એસોસિયેશન
જંત્રી વધારવાની જરૂર છે અને વધવી જ જોઈએ પરંતુ તેમાં સમય આપવો જોઈએ અને 1 મે 2023થી નવા દરો અમલી બનાવવા જોઈએ. જમીન અને બાંધકામમાં જંત્રીમાં વધારો અલગ અલગ હોવો જોઈએ, તે પ્રકારની માંગ અમદાવાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.
બે દિવસમાં સતત બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા પણ ગત રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને નવા જંત્રી દરના અમલીકરણમાં સમયમર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તેમની બેઠકનું હજુ સુધી કંઈ પરિણામ આવી શક્યું નથી.
રજૂઆત પરત્વે વિચારણા કરવા મુખ્યમંત્રીની બાંહેધરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત બે દિવસ સુધી બિલ્ડર એસોસિયેશન બેઠકનો દોર ચલાવી રહ્યું છે, ત્યારે તમામ બેઠકો વખતે મુખ્યમંત્રી સાથે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. જો કે બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ બિલ્ડર્સને તેમની રજૂઆત પર વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
નવા નિર્ણય ન થાય ત્યાં સુધી નવા દર જ લાગુ રહેશે- ઋષિકેશ પટેલ
સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. 4 તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે.
રેરામાં રજિસ્ટર્ડ 50 હજાર કરતાં વધુ પ્રોજેક્ટને અસર થવાની સંભાવના
ગુજરાતમાં બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન રેરાની હસ્તગત કરવાનું હોય છે અને આ રેરામાં કરાવેલું રજિસ્ટ્રેશનમાં યુનિટની કિંમત પણ દર્શાવવામાં આવી હોય છે. બિલ્ડર દ્વારા રેરામાં એક ચોક્કસ રકમ લખીને મકાનના ભાવની કિંમત નક્કી કરી હોય છે અને તેનું રેરામાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હોય છે ત્યારે એકાએક ભાવવધારો થવાના કારણે રેરામાં કોમ્પ્લાઈન કરવામાં અડચણ આવી શકે છે. ગુજરાતના તમામ મહાનગરપાલિકાના કુલ 50,000 હજારથી વધુ પ્રોજેક્ટ છે, ત્યારે આ તમામ પ્રોજેક્ટ રેરામાં ભાવ સાથે સબમિટ થઈ ગયા હોવાથી આ તમામ પ્રોજેક્ટને અસર પહોંચવાની સંભાવના બિલ્ડર એસોસિયેશન વ્યક્ત કરી રહ્યા છે.
બિલ્ડર એસોસિયેશનની વિવિધ માગ
ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા જાય છે?
ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજની લોન આપવામાં આવે છે. ખેડૂતો લોન લે છે એટલે એનો અર્થ એ નથી કે તે દેવાદાર છે. 6 હજાર રૂપિયા તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આપે છે. આ સહાય ખેડ, ખાતર અને બિયારણ માટે પર્યાપ્ત થાય તે પ્રકારની યોજના છે. તો પેપરલીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું કહીને કસૂરવાર સામે 3થી 7 વર્ષની સજાની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભા સત્રમાં લવાશે તેવી માહિતી આપી હતી.
જંત્રી મુદ્દે રજૂઆત થઈ છે જેમાં પ્રોબ્લેમ ઉકેલવાની કેવી ખાતરી આપવામાં આવી છે?
સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. 4 તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે.
ગરવી ગુજરાત ટ્રેન કેમ?
રેલવે દ્વારા ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત મોટી તક પ્રાપ્ત કરી શકે તેમજ ઉત્તર ભારતના લોકો ગુજરાત ખાતે આવી શકે તે માટે પ્રયાસ છે.
કોંગ્રેસની યાત્રા કે જેમાં પેપર લીક થવા મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે?
કસૂરવારો સામે કાર્યવાહી કરી અને તેમને જેલ હવાલે પણ કરી દીધા છે.
જંત્રીના દરોમાં અધધ... 100%નો વધારો ઝીંકાયો
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં 100 ટકાનો એટલે કે બમણો ભાવવધારો ઝીંકાયો છે. છેલ્લે 2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા. ત્યારે આશરે 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરાયો છે, જે સોમવારથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જંત્રી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇને મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી તેમનાં સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જેના અંતે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરાયો છે.
11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જંત્રીનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ દર અમલમાં મુકાશે. જોકે, એક તરફ નવી જંત્રી અમલમાં આવશે, તો બીજી તરફ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. ત્યારે 11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના નવા દર નક્કી કરાયા છે.
હાલના જમીનના ભાવ પરથી નક્કી કરાશે
સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલાં તેના દર સુધારવા માટે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમનાં સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. જે બાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.