સુનાવણીમાં જજે કહ્યું...:‘બ્લાસ્ટના દોષિતોને સમાજમાં રાખવામાં આવે તો માનવભક્ષી દીપડા છૂટા મૂકવા સમાન ગણાશે’

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 જુલાઈ 2008 - 70 મિનિટમાં 24 બ્લાસ્ટ, 56 મોત, 246 ઘાયલ અને 32 મિનિટમાં સજાનો ફેંસલો

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદામાં 49માંથી 38 દોષિતને ફાંસીની જ્યારે અન્ય 11ને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આકરી સજા ફટકારવા સાથે સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે એવું અવલોન કર્યું હતું કે, આવા દોષિતોને સમાજમાં રાખવામાં આવે તો માનવભક્ષી દીપડા સમાજમાં છૂટા મૂકવા સમાન ગણાશે. તેમણે સિરિયલ બ્લાસ્ટ કરનારા લોકોનો પડછાયો પણ સમાજ માટે જોખમી હોવાનું કહ્યું હતું. અમદાવાદમાં 70 મિનિટમાં થયેલા 23 સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 246 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સ્પેશિયલ કોર્ટે 8 ફેબ્રુઆરીએ 49ને દોષિત ઠેરવ્યા હતા. એ પછી સરકારી અને આરોપીઓના વકીલોની દલીલો સાંભળવામાં આવી હતી. શુક્રવારે સ્પેશિયલ કોર્ટના જજે માત્ર 32 મિનિટમાં ચુકાદો આપી સજા સંભળાવી હતી. કોર્ટે ફરિયાદી પક્ષે 1163 સાક્ષીની જુબાની લીધી હતી, જ્યારે 5 હજારથી વધુ દસ્તાવેજો તપાસ્યા હતા.

ફાંસીની સજા આપવાનાં મુખ્ય કારણો
સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે અમદાવાદ બ્લાસ્ટ કેસના 38 દોષિતને ફાંસીની સજા અને 11 દોષિતને આજીવન કેદની સજા સંભળાવતી વખતે કરેલાં અવલોકન.

નિર્દોષો પ્રત્યે દયા રાખી નહીં હોવાથી તેમના પ્રત્યે દયાભાવની કોઈ જરૂર નથી
શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરી દોષિતોએ નિર્દોષ લોકો પ્રત્યે કોઈ દયાભાવ રાખ્યો નથી, માટે કોર્ટે પણ તેમના પર કોઈ દયાભાવ રાખવાની જરૂર નથી. તેમણે દેશમાં રહીને જ દેશવિરોધી આતંકી પ્રવૃત્તિ કરી છે. આવી આતંકી પ્રવૃત્તિને કારણે દેશની શાંતિ ડહોળાઈ હતી અને સમાજના બે વર્ગ વચ્ચે પણ વૈમનસ્યની ભાવના પેદા થઈ હતી. આવા ગંભીર પ્રકારના અપરાધ માટે તેમને માફ કરી શકાય નહીં.

ગોધરાકાંડનો બદલો લેવા હિન્દુઓના વિસ્તારોમાં બોમ્બ પ્લાન્ટ કરાયા હતા
દોષિતોએ 2002માં થયેલા ગોધરાકાંડનો બદલો લેવા સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા. તેમણે હિન્દુઓની બહુમતી ધરાવતાં વિસ્તારો બોમ્બ મૂકવા માટે પસંદ કર્યા હતા. તેમનો ઈરાદો સરકારને ઊથલાવવાનો હતો અને જેહાદી ભાષણો કરી સરકાર સામે પડકાર ફેંકવા ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનું કામ કર્યું હતું.

તેમને જેલમાં રાખી નિભાવવાની કોઈ જ જરૂર નથી
દોષિત ઠરેલા તમામ 49નો ઈતિહાસ ગુનાથી ભરેલો છે. દેશના લોકોની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે તેમને કાયદા મુજબ મહત્તમ સજા થવી જ જોઈએ. દેશે તેમને જેલમાં રાખી નિભાવવાની કોઈપણ પ્રકારની જરૂર નથી.

વિસ્ફોટો કરીને દહેશત સર્જવાનો બદઈરાદો હતો
પ્રતિબંધિત સંગઠન ‘સીમી’માંથી જન્મેલા આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા તમામ દોષિતનો હેતુ ભારતમાં ઈસ્લામિક રાષ્ટ્ર સ્થાપવાનો હતો. તેમનો બીજો બદઈરાદો ભયનું સામ્રાજ્ય ઊભું કરવાનો પણ હતો.

નિર્દોષની સૌથી વધુ જાનહાનિના બદઈરાદે કાવતરાને અંજામ આપ્યો
મુંબઈથી ચાર કારની ચોરી કરી આતંકીઓએ તેની નંબરપ્લેટ બદલી કાઢી અમદાવાદ અને સુરતમાં પ્લાન્ટ કરી હતી. અમદાવાદમાં 24 સ્થળે સાયકલ મૂકી બ્લાસ્ટ કર્યા હતા. વધારામાં ઘાયલોને સિવિલ અને એલ.જી. હોસ્પિટલમાં લવાયા ત્યારે ત્યાં કાર બોમ્બ પ્લાન્ટ કરીને સૌથી વધુ નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આ ઉપરાંત તેમણે જુદી જુદી વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ ઊભા કરી સિમ કાર્ડ ખરીદ્યાં હતાં. બોમ્બ બનાવવા માટેના નટ-બોલ્ટ, છરા, વાયર, સાયકલો, બેટરી, ઘડિયાળ, ગેસ સિલિન્ડર પણ અલગ-અલગ દુકાનોમાંથી ખરીદ્યા હતાં. બોમ્બ બનાવી કઈ જગ્યાએ મૂકવાના છે તેની પણ રેકી કરી હતી.

મોદી, અમિત શાહ સહિતના નેતાને ટાર્ગેટ બનાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું
તમામ દોષિત સીમીના સક્રિય કાર્યકર છે. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, આનંદીબેન પટેલ, નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. 2002થી 2008 વચ્ચે તેમણે અમદાવાદ, વડોદરા અને સુરતમાં જ્યારે ડિસેમ્બર 2007માં કેરળના વાઘમોન ખાતે, જાન્યુઆરી 2008માં હાલોલ પાસે આતંકવાદી તાલીમ કેમ્પ યોજ્યા હતા. તેઓ અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને પૂનામાં મકાન ભાડે રાખી રહેતા હતા અને ત્યાં બોમ્બ બનાવ્યા હતા અને સિરિયલ બ્લાસ્ટમાં તેનો ઉપયોગ થયો હતો.

તમામ દોષિત રીઢા ગુનેગાર સમાન છે, દાખલો બેસે તેવી સજા જરૂરી છે
તમામ દોષિત રીઢા ગુનેગાર સમાન છે. આવા લોકોને સમાજમાં રાખી શકાય તેમ નથી. દોષિતોને સમાજમાં રાખવાનું પગલું માનવભક્ષી દીપડા સમાજમાં છૂટા મૂકવા સમાન ગણાશે. આવા લોકોનો પડછાયો પણ સમાજ માટે અત્યંત જોખમી ગણાય છે. આ માટે જ 38 દોષિતને દાખલો બેસે તેવી સજા ફટકરાવી જરૂરી બની છે.

નોંધ: સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ, અમિત પટેલના જણાવ્યા મુજબ

અન્ય સમાચારો પણ છે...