સાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસમાં ઓફિસમાં બેસતા હાર્દિક પટેલને કમલમમાં બેસવા બાંકડો મળે તો સારું, ભરતસિંહના વનવાસથી ભાજપને હાશકારો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે ભરતી મેળો શરૂ તો કર્યો, પણ આ મેળામાં કોંગ્રેસના મોટા મોટા માથાંઓ પણ કેસરિયો ખેસ પહેરવા લાગ્યા છે. કોંગ્રેસમાં છૂટા દોર સાથે હરીફરી બોલી શકનારા નેતાઓ ભાજપમાં તો આવી ગયા પણ સંપૂર્ણપણે શિસ્તમાં રહેવું પડે એટલે એકદમ ચૂપ થઈ ગયા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ જયરાજસિંહ પરમાર છે. કોંગ્રેસમાં હતા ત્યારે રોજે રોજ મીડિયામાં ચમકતા રહેતા હતા અને સરકાર સામે આક્રમકતાથી લડતા રહેતા હતા. એક સમયના હાજર જવાબી અને એકદમ સ્પષ્ટ વક્તા જયરાજસિંહ ભાજપમાં આવ્યા પછી તો ક્યાંય ખોવાઈ ગયા હોય એવું લાગે છે.

કોંગ્રેસમાં તો ઓફિસમાં બેસતા અહીં બાંકડો મળે તો સારું
હવે, હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે એમનું શું થશે? ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો હતો કે, કોંગ્રેસના મોટા નેતાઓ ત્યાં તો ઓફિસમાં બેસતા હતા, અહીં તો બાંકડે પણ બેસવાનો ચાન્સ મળે તો સારું.

ભરતસિંહનો વનવાસ કોંગ્રેસને ફળશે કે ભાજપને?
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના વાઇરલ વિડિયોથી ઉભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે હવે કોંગ્રેસી નેતાએ ટૂંકાગાળા માટે રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય તો જાહેર કરી દીધો છે. પરંતુ સાથે સાથે વનવાસ દરમિયાન સામાજિક કાર્યો ઉપરાંત ક્ષત્રિય-ઠાકોર-ઓબીસી અને પછાત વર્ગની વચ્ચે રહીને તેઓ સાથે પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી.

ભરતસિંહના વનવાસથી ભાજપ અંદરથી ખુશ
ખાસ કરીને મધ્ય અને ઉતર ગુજરાતમાં સામાજિક ફોર્સ ઉભી કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ ભરતસિંહના આ ટૂંકા ગાળાના વનવાસથી કોંગ્રેસ પણ ચિંતિત થઈ ગઈ છે, તો ભાજપને અંદરખાને ખુશી છે કે ચાલો, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના એક મજબૂત નેતાનું નડતર ઓછું થઈ ગયું. હવે, સમય જ બતાવશે કે ભરતસિંહનો વનવાસ કોને ફળે છે.

ભાજપ ચલા ગાંવ કી ઔર, મંત્રીઓને AC છોડી ગામડાં ખૂંદવા મોકલ્યા
ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં હવે ગામડાઓના વિકાસના લેખાંજોખાં તેમજ ગ્રામજનો દ્વારા અગાઉ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણનો હિસાબ લેવા માટે સરકારે કવાયત શરૂ કરી છે. જેમાં મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ સહિત ધારાસભ્યોને ગામડે ગામડે ફરી ગ્રામસભાઓમાં હાજર રહેવા સૂચના આપવામાં આવે છે. તમામ નેતાઓને ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં કરેલા વિકાસ અને પ્રશ્નો અને તેના નિકાલ સહિતના મુદ્દાઓને આવરી લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસ કામોના અને તેના ખર્ચ અંગેની વિગતો મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે, એટલે હવે એવું કહી શકાય કે, ભાજપ સરકારમાં મંત્રી પદ મેળવવું એટલે ગાડી, બંગલા, AC ઓફિસ પૂરતું સીમિત નથી, પ્રજાને ઓફિસમાં બોલાવવાને બદલે પ્રજા વચ્ચે જવું ફરજિયાત છે.

GPCBમાં હવે ‘કંટ્રોલ’ વગર ફાઈલ ભાગશે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)માં કરાયેલી બદલીને પગલે હવે નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ. ઠાકરની નિમણૂંક કરવામાં આવતા ઉદ્યોગો અને વિવિધ પ્રોજેક્ટ ધારકોને થોડો હાશકારો થયો છે. ડીએમ ઠાકર GPCBમાંથી જ આવતા હોવાથી છેલ્લા ચાર-પાંચ મહિનાથી પેન્ડિગ રહેલા કામો અને અટકી પડેલા નવા રોકાણોમાં પણ ઝડપ થશે તેમ રાજ્યના ઉદ્યોગ વિભાગ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે. આમ GPCBમાં હવે કંટ્રોલ વગર ફાઈલ ભાગશે.

ગુપ્તા'ઝ ઓન હોલિડે મૂડ
રાજ્ય સરકારના અધિકારી જે.પી. ગુપ્તા તેમની લંડનની મુલાકાત પૂર્ણ કરીને પરત ફર્યા છે. જ્યારે અન્ય એક અધિકારી એવા રાજીવ ગુપ્તા ગોવામાં વેકેશન માણી રહ્યા છે. અગાઉ અન્ય અધિકારીઓ પણ તેમના વિદેશમાં વેકેશન માણીને આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...