ગુજરાતમાં કોવિડને કારણે માર્ચ મહિનાથી બંધ થયેલી શાળાઓ દિવાળી વેકેશન બાદ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે આ સત્ર 50થી વધુ દિવસ લંબાવીને જૂનના બીજા અઠવાડિયા સુધી શૈક્ષણિક કાર્ય ચાલે એવી શક્યતા છે. પરિણામે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા લેવાશે. એટલું જ નહીં, મેમાં બોર્ડની પરીક્ષા બાદ જૂનમાં ધોરણ 8, 9 અને 11ની પરીક્ષા યોજવામાં આવી શકે છે.
બીજું સત્ર 50 દિવસ જેટલું લંબાઈ શકે છે
સમગ્ર રાજ્યમાં સ્કૂલોમાં દિવાળીનું 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરિણામે, આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં સ્કૂલ ચાલુ નહીં થઈ હોવાથી સરકાર દિવાળી પછી શાળાઓ શરૂ કરી બીજું સત્ર 50 દિવસ જેટલું લંબાવી શકે છે. એને કારણે વિદ્યાર્થીઓએ મે-જૂન મહિનાની ગરમીમાં પણ સ્કૂલોમાં જવું પડશે. સામાન્ય રીતે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે એ આવતા વર્ષે મે મહિનામાં યોજાવાની છે, જ્યારે અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમાં લેવાતી હતી એ પણ જૂન 2021માં લેવાઈ શકે છે, એ જોતાં વિદ્યાર્થીઓએ ભયંકર ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે.
આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.
આગળના સત્રની ભરપાઈ બીજા સત્રમાં કરાશે
બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.
બે સપ્તાહ વહેલું વેકેશન, દિવાળી પછી સ્કૂલ ખૂલવાના સ્પષ્ટ સંકેત
ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા સાત મહિનાથી સ્કૂલો અને કોલેજો બંધ છે, વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે. આ કારણે રાજ્યમાં પહેલી વાર દિવાળી વેકેશન તહેવારોનાં બે અઠવાડિયાં પહેલાં શરૂ થયું છે. એના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે દિવાળી પછી સ્કૂલો ખૂલી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનું શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમાં વહેંચાયેલું હોય છે. પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂરું થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.