શિક્ષણ વિભાગ:ઓગસ્ટ પછી શાળાઓ શરૂ થશે તો, ટર્મ ના બદલે સેમેસ્ટર મુજબ કોર્ષ પૂરો કરાશે, અભ્યાસક્રમ ઘટાડી દેવા વિચારણા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલો શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે કોર્ષ ઘટાડવા માટેની સત્તાવાર જાહેરાત કરાશે
  • પ્રથમ સત્રનો અભ્યાસ પૂર્ણ થાય તેવી શક્યતા નથી, તે સંજોગોમાં પાઠ્યપુસ્તકો પુરા ભણાવવા મુશ્કેલ બની શકે

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં શાળા-કોલેજો હજુ ખુલી શકી નથી ત્યારે શૈક્ષણિક વર્ષમાંથી અડધી ટર્મ તો પુરી થઈ જાય તેમ છે, તે સંજોગોમાં આખા વર્ષનો કોર્ષ પૂરો ભણાવવો અશક્ય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર જેટલું કરીને પાઠ્યપુસ્તકોમાંથી અડધો અભ્યાસક્રમ સેટ કરી વર્ષ પૂરું કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં પણ પરીક્ષાની પદ્ધતિ પણ સરળ કરવાની દિશામાં શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે.

શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના
રાજ્યમાં હાલમાં શાળાઓ બંધ છે અને 15 ઓગષ્ટ પછી જ શાળાઓ શરૂ કરી શકાય તેમ છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં બીજા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ કરાવી શકાય તેમ ન હોવાથી અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન થઈ રહ્યું છે. જોકે, આ અંગે શાળાઓ શરૂ થયા બાદ જ સત્તાવાર રીતે જાહેરાત કરાશે.

તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં લઈ જવાયા
કોરોનાના કહેરના પગલે માર્ચથી શાળાઓ બંધ છે અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં લઈ જવામાં આવ્યા છે. વેકેશન પૂર્ણ થયા પછી શાળાઓ શરૂ થવાના સમયે રાજ્યમાં કોરોનાના પગલે સ્થિતિ ગંભીર હોવાના લીધે શાળાઓ શરૂ કરવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ 15 ઓગષ્ટ પછી જ ખોલવામાં આવશે તેવી જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ 15 ઓગષ્ટ પછી જ શાળાઓ અંગે નિર્ણય લેવાશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી.

ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવા અંગેની સત્તાવાર જાહેરાત થશે
જોકે, હજુ પણ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. રોજ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી હોઈ કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે. આમ, જો કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવા અંગેની સત્તાવાર જાહેરાત થશે. તો ગુજરાતમાં પણ તેનો અમલ કરાશે અને તેના લીધે શાળાઓનું પ્રથમ સત્ર એટલે કે દિવાળી વેકેશન સુધીનો અભ્યાસક્રમ શાળાઓ શરૂ ન થવાના લીધે પૂર્ણ થઈ શકશે નહીં.

શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન 
હવે, જો દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય થશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તે સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે તેના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. શાળાઓ શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે તે નક્કી કરાશે.

અન્ય સમાચારો પણ છે...