• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If Rains Continue For Another Five Days, There Will Be A Serious Water Crisis. The State Will Get Water From The Narmada Dam By The End Of August.

નર્મદામાં પણ પાણી ખૂટ્યું:જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે, નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ડેમમાં 18મી ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે
  • નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે
  • અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળ સંકટ ઊભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 18મી ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી 3.49 મિલિયન એકર ફૂટ (એમએએફ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે, જ્યારે વાપરી શકાય એટલું પાણી 0.55 એમએએફ એટલે 11 ટકા જ છે, તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો છે.

ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી સ્થિતિ
રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે એ પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ 17મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં 12 હજાર 412 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી 15 હજાર 200થી 15 હજાર 792 ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું 125 ક્યૂસેક પાણી બંધ થવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે સરકારે પ્રથમ અગ્રતા પીવાના પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જોઈએ અને જરૂર પડ્યે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જોઈએ.

56 ડેમમાંથી પીવાનું પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે અપાશે.
56 ડેમમાંથી પીવાનું પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે અપાશે.

56 ડેમમાંથી સિંચાઈ માટે 36 હજાર 500 MCFT ફાળવાશે
હાલની સ્થિતિમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. આમાં ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે.

39 જળાશયમાંથી સાડાનવ લાખ એકર વિસ્તારને પાણી મળશે
દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલિયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4 લાખ 69 હજાર 300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વિયરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. આમ, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્ત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલી છે એ વિસ્તારમાં ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયમાંથી સાડાનવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

ધરોઈ ડેમમાં પણ તળિયાં દેખાયાં ( ફાઈલ ફોટો).
ધરોઈ ડેમમાં પણ તળિયાં દેખાયાં ( ફાઈલ ફોટો).

આજી ડેમમાં 150 MCFT નર્મદાનું પાણી ઠલવાશે
આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં વરસાદની આશાએ સૌની યોજનાનું પાણી લેવાનું બંધ કરાયા બાદ આવતા સપ્તાહથી તરત પાણી આપવું પડે એવી સ્થિતિ છે. ત્યારે RMC દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખી પાણી માટે માગ કરવામાં આવી હતી, જેને પગલે 23 ઓગસ્ટ પછી આજી ડેમમાં ફરી 150 MCFT નર્મદાનું પાણી ઠલવાશે. આ સંજોગોમાં 20 ઓગસ્ટના રોજ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરી સમીક્ષા બેઠક રાખવામાં આવેલી છે.

આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે.
આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે.

21 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થવાની આગાહી છે. ત્યારે કેન્દ્રના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 21 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...