ભાસ્કર ઈન્ટરવ્યૂ:સમજાવટથી કામ ન ચાલે તો દંડો હાથમાં લેવો પડે, બેન-દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ થાય તો શાંતિ રાખવી?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પદ્મભૂષણ જૈનાચાર્ય  રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ  સાહેબ - Divya Bhaskar
પદ્મભૂષણ જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
  • શાંતિ, અહિંસાનો પર્યાય ગણાતો જૈન સમાજ કેમ આક્રમણ અને શક્તિની વાતો કરવા લાગ્યો? જવાબ આપ્યો જૈનાચાર્યે
  • ભાસ્કરઃ જૈન સમાજ અચાનક આટલો ઉગ્ર કેમ થઈ ગયો?

દેવેન્દ્ર ભટનાગર

ગુજરાતના પાલિતાણા દેરાસરમાં તોડફોડ, ઝારખંડમાં સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળનો દરજ્જો આપવાના વિરોધમાં થોડા દિવસથી જૈન સમાજ ગુસ્સામાં છે. રસ્તા પર ઉતરીને દેખાવો, રેલીઓ યોજાઈ રહ્યાં છે. તીખા અને આક્રમક શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે. એવું તો શું થયું કે હમેશાં નમ્ર રહેતો આ સમાજ આટલો ઉગ્ર થઈ ગયો? આ બધા સવાલોના જવાબ જાણવાનો શ્વેતાંબર સમાજના જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી એક પ્રયાસ.

ભાસ્કર - જે કાયમ શાંતિ,અહિંસાની વાત કરે છે એ જૈન સમાજે રસ્તા પર કેમ ઉતરવું પડ્યું?
મહારાજ સાહેબઃ અમે હજુ પણ શાંતિની જ વાત કરીએ છીએ. હું મારા ઘરમાં શાંતિથી બેઠો છું અને મારા ઘરને તોડી નંખાય, ઘરમાં ચોર આવી જાય, બેન-દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ થાય તોપણ શાંતિ રાખવી? મારા ઘરની સુરક્ષા માટે હું કોઇ કઠોર શબ્દનો પ્રયોગ કરું તો તે ગુનો ના કહેવાય ને. અમે વારંવાર કહીએ છીએ પણ ગંભીરતાથી ના લીધું એટલે લાગ્યું કે હવે તો કંઇક દબાણ આવે તો જ કામ થાય. અનેક રીતે પ્રયાસ કરાયા પણ કોઇ પરિણામ ના મળ્યું. આ લોકશાહી છે, અમે લોકમતથી આગળ વધીએ છીએ. અગાઉ સેક્સ એજ્યુકેશન મામલે મેં રિટ પિટિશન કરી અભિયાન ચલાવ્યું હતું અને એ મામલે એક ફિલ્મ પણ છે.
જો સરકાર તમારો અવાજ નહીં સાંભળે તો?
સાંભળશે જ. કેમ નહીં સાંભળે? અમે આગળનું નથી વિચાર્યું કારણ કે અમે એમ જ માનીને ચાલીએ છીએ કે સરકાર સાંભળશે જ. અમારે નકારાત્મક નથી થવું. સરકાર અમારી માગણી પ્રમાણે પગલાં ભરશે એમ માનીએ છીએ. અમે એવું કંઇ આડુંઅવળું નથી કરવા માંગતા. લોકશાહીની રીતે અમારી વાત રજૂ કરીએ છીએ. કોઇ મારા ઘરમાં ઘૂસી જાય અને જો સમજાવટથી ના નીકળે તો દંડો પણ હાથમાં લેવો પડે. આક્રમણ થાય તો પ્રતિકાર તો કરવો જ પડે ને.
જૈન સમાજમાં શાંતિ, સદભાવ જેવા શબ્દો સાંભળ્યા બાદ હવે અચાનક આક્રમણ, દાદાગીરી જેવા શબ્દો?
સાંભળવું જ પડશે ને. કસોટી થતી હોય ત્યારે એવા શબ્દો પણ સાંભળવા પડે. અમે કાયદો હાથમાં નથી લેતા પણ જો વાત ખોટી હશે તો અવાજ ઉઠાવવો પડશે. દેશના કાયદો અને વ્યવસ્થાની અંદર રહીને અમે અમારી વાત કરીએ છીએ.
સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયું તેનો વિરોધ કેમ?
તીર્થસ્થળ અમારી પવિત્રતા છે. એ અમારું પવિત્ર સ્થળ છે. અમે નથી ઇચ્છતા કે તે પવિત્રતા જોખમમાં મુકાય. એનું એક બંધારણ છે. પ્રવાસન સ્થળ બની જતાં નોન વેજ, દારૂ આવે, જે અમે નથી ઇચ્છતા.
પણ કેટલાંક પ્રવાસન અને ધાર્મિક સ્થળે માંસ-મદિરા પર પ્રતિબંધ છે, સરકાર શરતો સાથે કરે તો?
અમે નથી ઇચ્છતા. એ‌વું શક્ય જ નથી. સરકાર પણ કહે તો એ શક્ય નથી. જો પ્રવાસન સ્થળ બની જશે તો તેના પર કાબૂ રાખવો અશક્ય હશે. અમે એવી કોઇ બાંધછોડ નથી ઈચ્છતા. ઘણાં એવાં સ્થળો છે જ્યાં શરતો છતાં કોઇ માનતું નથી.
દિલ્હીમાં ચર્ચા ચાલે છે કે સરકાર તેનો નિર્ણય પાછો નથી લેવાની, તો હવે આગળ શું?
અમે પૂરતો પ્રયાસ કરીશું. તીર્થ છે એટલે અહીં નોન વેજ હોટેલ નથી. પ્રવાસન સ્થળ બની જશે તો ફાઇવ સ્ટાર હોટેલ બની જશે, તો કેવી રીતે રોકાશે અને સરકાર પણ શું કરશે? પછી ત્યાં નોન વેજ પણ હશે અને વ્યભિચાર પણ થાય અને કેબ્રે પણ. આ જરૂરી છે? આજ સુધી વિકાસ કેમ ના થયો? લોકોએ આવવું હોય તો અમારા નિયમો પ્રમાણે રહેવું પડશે.
શેત્રુંજ્ય પર્વત મામલે શું ફરિયાદ છે?
એ મામલે પણ રેલી થઇ. ગેરકાયદે માઇનિંગ થાય છે. પગથિયાં તૂટ્યાં. અમારી આસ્થા પર ઘા કરાયો.
અચાનક એવું શું થયું કે જૈન તીર્થ સ્થળો પર આ પ્રકારની ઘટનાઓ વધી ગઇ છે?
વધી ગઇ છે એવું નથી. ઘણી વાર થતી હતી. હવે અમે સમજાવવા નીકળ્યા છીએ. સમજાવવા અનેક પ્રયાસો કર્યા પણ મારી નમ્રતાને નબળાઇ મનાઇ. હું સમાધાન કરવા આવું અને આપ માની લો કે હું નપુંસક છું તો પછી સંઘર્ષ કરવો પડે. નરમ શબ્દ કાયરતા નથી. નરમ શબ્દનો અર્થ સમજતા જ નથી. એટલે ગરમી બતાવવી પડે.
પાલીતાણા પર્વતમાં દારૂની ભઠ્ઠી, ગેરકાયદે માઈનિંગ વધ્યું છે, શું કહેશો?
સરકારે દરેક તીર્થની વ્યવસ્થા પર નજર રાખી સંભાળ રાખવી જોઇએ. સરકાર સાથે વાત કરતા જ હતા. હવે આખો સમાજ જાગૃત થયો છે અને બધા મળી આ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. હવે સંખ્યાબળ સાથે વાત કરીએ છીએ.
યંગ જનરેશનમાં પરિવર્તન આવવું જોઇએ એવું માનો છો?
ચોક્કસ માનું છું કે ચેન્જ આવવો જોઇએ પણ યંગ જનરેશનને કહું છું કે જીવનમાં મૂળભૂત બાબતો તો હોવી જ જોઇએ. અમુક મામલે બાંધછોડ ના કરાય. આજની જનરેશન કોઇ હુમલો સહન નથી કરી શકતીવ્યક્તિગત હુમલો અલગ વાત છે. આ આક્રોશ સમાજનો છે, કોઇ વ્યક્તિગત નહીં.
લાખોની નોકરી છોડી દીક્ષા લીધી, સંતાનોએ દીક્ષા લીધી એ બાબતે આપનું મંતવ્ય શું છે?
માતા-પિતાની મંજૂરી સાથે જ દીક્ષા અપાય છે. વિદેશ જાય છે એ છોકરાઓને તો રોકો. મોટો થઇને એ વિદેશ જતો રહે છે અને ક્યાં પાછો આવે છે. આવે છે ક્યારેક મા-બાપની સેવા કરવા. કોણે અભિયાન ચલાવ્યું? એ બધાને કહો ને કે અહીં રહીને જ સેવા કરે. ‘હમ દો, હમારે દો’ સૂત્રમાં જ મા-બાપ નથી. આ શરમજનક નથી? અહીં મા-બાપની યાદ ના આવી અને દીક્ષા વખતે યાદ આવે છે.

અન્ય સમાચારો પણ છે...