સ્કૂલોની ફી માફી મુદ્દે ઓલ ગુજરાત વાલીમંડળ પર સરકાર અને સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપો થતા મંડળના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, અમારી ફી માફીની માંગ 50 ટકાની જ છે, અમે સરકાર સાથે 25 ટકા ફી માફી મુદ્દે સંમત થયા જ નથી. જો સરકાર જીઆરમાં 25 ટકાનો ઉલ્લેખ કરશે અને ફી માફી માટે સમય મર્યાદા નક્કી કરશે તો અમે ફરી હાઇકોર્ટમાં જઇશું.
શિક્ષણમંત્રી સાથે ફી માફીની મિટીંગમાં માત્ર ઓલ ગુજરાત વાલી મંડળને બોલાવાતા અન્ય મંડળોમાં વિરોધ થયો હતો. અન્ય મંડળોએ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ સંચાલકો અને સરકારની સાથે બેસીને વાલીઓનો વિશ્વાસ તોડ્યો છે. આ ઘટના બાદ રાજ્યના વિવિધ વિસ્તારોના વાલી મંડળો એક સાથે ઓલ ગુજરાત વાલી મંડળનો બહિષ્કાર કર્યો હતો. સાથે જ તમામ મંડળોએ એક સાથે આવીને એક ફેડરેશન બનાવ્યું. આ ફેડરેશન વાલીઓના પ્રશ્નોને સરકાર સુધી પંહોચાડશે. પરંતુ તેની સામે આજે ઓલ ગુજરાત વાલી મંડળે સ્પષ્ટતા કરી છે કે અમે સરકાર સાથે કોઇ સાંઠ-ગાંઠ કરી નથી. અમારી માંગ આજે પણ 50 ટકા ફી માફીની જ છે.
જે વાલીમંડળ વધુ ફી માફ કરાવે તેને ટેકો
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, વાલીઓના હિતમાં જે પણ મંડળો સરકાર પાસેથી 50 ટકા કરતા વધુ ફી માફી કરાવશે તો તેમની સાથે અમારો ટેકો છે. અમે આજે પણ અમારી 50 ટકા ફી માફીની માંગ પર છીએ. જરૂર પડશે તો અમે હાઇકોર્ટમાં જઇશું. વાલીને ફાયદો થાય તેવા દરેક પ્રકારના પગલા અમે લઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.