સુનાવણી:શેરી, સોસાયટી અને ફ્લેટમાં ગરબાની છૂટ તો પાર્ટી પ્લોટમાં કેમ નહીં? ગરબા આયોજકોની હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ2 મહિનો પહેલા
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • ગરબા આયોજકોએ વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવા તૈયારી દર્શાવી ​​​​​​

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જોકે ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં છૂટ આપવામાં આવી નથી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસમાં ગરબાને છૂટ અપાઈ તો પાર્ટી પ્લોટ માં છૂટ કેમ નથી અપાઈ તેવો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે.

સોસાયટી અને શેરી ગરબામાં 400 લોકોને છૂટ અપાઈ
ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને 8 મહાનગરમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આકાશ પટવા નામના અરજદાર અને અન્યોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, અમે સરકાર લગાવેલા અંકુશનું પાલન કરવા તૈયાર છીએ, પણ ગરબાના આયોજનને છૂટ આપવામાં આવે. અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે, સોસાયટી અને શેરીમાં 400 લોકોને ગરબાની છૂટ અપાઈ છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પાર્ટી પ્લોટમાં બંને ડોઝ લેનારાને જ પ્રવેશ આપવા આયોજકોની તૈયારી
ગરબા આયોજકોએ હાઇકોર્ટની અરજીમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવા તૈયારી દર્શાવી છે. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે, આપણે હાલ કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ? તે અંગે સરકાર ખુલાસો કરે. આ મામલે 8 ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોલીસે સોસાયટીઓમાં મીટિંગ યોજવાનું શરૂ કર્યું
રાજ્ય સરકારે નવરાત્રી યોજવા માટે મંજૂરી આપ્યા બાદ ગયા અઠવાડિયે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં રાસ-ગરબાના સ્થળે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી, જેમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાની સૂચના આપી હતી, જેને ધ્યાને રાખીને પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મીટિંગો યોજવાનું શરૂ કરી દીધું છે, જેમાં ગરબામાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ રસીના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી.

સરકારના જાહેરનામા પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરશે
​​​​​​​
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં બે ડોઝ લીધેલા વ્યક્તિને ગરબા રમવાની પરમીશન મામલે સરકારનું આજે જાહેરનામું આવશે. તે મુજબ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી એકમો જેવા કે કોમર્શિયલ કોમ્પલેક્સ, ધાર્મિક સ્થળો તેમજ મોટી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા બે દિવસ બાદ ચેકિંગ શરૂ કરવામાં આવશે. લોકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે.