ગુજરાત હાઈકોર્ટમાં અનોખા કેસની સુનાવણી યોજાઈ હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે પુત્રીને લવ મેરેજ બાદ પિયર અને સાસરિયા બંનેનું સુખ મળવું જોઈએ. અમરેલી જિલ્લામાં લવ મેરેજને કારણે થયેલી મારા મારી અને સામ સામી ફરિયાદમાં બંને પક્ષને થયેલી સજા રદ કરવા માટેની અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, દીકરીને સાસરે તકલીફ ઉભી થાય અને મુસીબતમાં મુકાય તો તે ક્યાં જાય? આ કેસમાં બંને પક્ષોએ કોર્ટ સમક્ષ સમાધાનની તૈયારી દર્શાવતા કોર્ટે બંને પક્ષના આરોપીઓની સજા મોકુફ કરી છે. આ કેસમાં બંને વેવાઈ એક જ જેલમાં તથા યુવતીની મા પણ જેલમાં બંધ છે.
યુવતીએ પરિવારની મરજી વિરૂદ્ધ લવ મેરેજ કર્યાં હતાં
અમરેલી જિલ્લાના લાઠીની એક યુવતીએ પરિવારની મરજી વિરૂદ્ધ લવ મેરેજ કર્યાં હતાં. યુવતીનો પરિવાર લગ્નની વિરૂદ્ધ હોવાથી પિયર અને સાસરિયાઓ વચ્ચે મારા મારી થઈ હતી. આ ઘટનાની સામ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પિયર પક્ષે એવી ફરિયાદ પણ નોંધાવી હતી કે, તેમના ખિસ્સામાંથી પાંચ હજાર રોકડની લૂંટ કરાઈ છે અને સાસરિયાઓએ 60 હજારની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ કરી હતી. આ કેસમાં બંને વેવાઈ અમરેલી સબજેલમાં બંધ છે અને યુવતીની માતા પણ જેલમાં છે. આ ત્રણેયની સજા રદ કરવા બંને પક્ષોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
પરિવારજનો જેલમાં હોય તો મુશ્કેલીમાં દિકરી ક્યાં જાય?
કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે આ દીકરીના પિયર અને સાસરિયા બંને પક્ષના પરિવારજનો જેલમાં છે અને તેની માતા પણ જેલમાં છે. આવી સ્થિતિમાં તેને કોઈ તકલીફ થાય કે મુશ્કેલી આવે તો તે ક્યાં જાય. મારા મારીના કેસમાં છ મહિનાની સજા હોય છે અને ટ્રાયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલે છે. પરંતુ બંને પક્ષોએ લૂંટની કલમ ઉમેરાવી આ કેસને સેશન્સ કેસ બનાવી દીધો છે.
સુનાવણી દરમિયાન બન્ને પક્ષોએ સમાધાનની તૈયારી દર્શાવી
સામાજિક ઝઘડામાં મારમારી અને ગાળાગાળી થઇ હોય તે સમજી શકાય છે પરંતુ તેમાં ખિસ્સામાંથી રોકડની લૂંટ પણ થાય તેવી સામાજિક વ્યવસ્થા આપણી નથી. તમે ગુસ્સામાં આવું કરી નાંખો છો પરંતુ ત્યારબાદ ઘણી બધી તકલીફો સર્જાય છે. અપીલની સુનાવણી દરમિયાન બન્ને પક્ષોએ સમાધાનની તૈયારી દર્શાવતા કોર્ટે સજા મોકૂફ કરી છે અને અને અંતે ટકોર કરી હતી કે હવે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. તેથી દીકરીને પિયરમાં તેડી લાવવાની રહેશે અને પાછી સાસરીયે મોકલવાની રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.