ગુજરાતમાં કોરોના હવે ઘરે ઘરે પહોંચી ગયો છે. કોરોનાની ગંભીર થયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકારે કોવિડ ટાસ્કફોર્સના સભ્યોથી લઈ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ સરકારને નિયંત્રણો કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચનો કર્યાં છે. જો શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે, જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યાનો કરી શકે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવી શક્યતા છે.
બે દિવસ સુધી સરકાર નજર રાખી નિર્ણય કરશે
હાલ સરકાર કોરોનાના કેસને લઈ ઊભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જો પ્રજા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પૂરી શક્યતા છે. બે દિવસ સુધી સરકાર સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ કોવિડ ટાસ્કફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ નિર્ણય કરશે.
નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી શકે છે.
ગુજરાતમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલાં કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ
તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
8 જાન્યુઆરી | 5677 | 1359 | 0 |
9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
11 જાન્યુઆરી | 7476 | 2704 | 3 |
12 જાન્યુઆરી | 9941 | 3449 | 4 |
13 જાન્યુઆરી | 11176 | 4285 | 5 |
14 જાન્યુઆરી | 10019 | 4831 | 2 |
15 જાન્યુઆરી | 9177 | 5404 | 7 |
16 જાન્યુઆરી | 10150 | 6096 | 8 |
17 જાન્યુઆરી | 12753 | 5984 | 5 |
18 જાન્યુઆરી | 17119 | 7883 | 10 |
19 જાન્યુઆરી | 20966 | 9828 | 12 |
કુલ | 145,346 | 57,484 | 68 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.