મહેસુલમંત્રીની લાલ આંખ:કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરવાના પૈસા માંગે તો વીડિયો રેકોર્ડ કરીને મને મોકલોઃ રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદ2 મહિનો પહેલા
  • મહેસૂલ વિભાગનો કોઈપણ અધિકારી ફરજ પર મોડો પડશે તે નહીં ચલાવી લેવાયઃ મહેસુલમંત્રી

ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મહેસૂલમંત્રીએ કહ્યું કે મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ અધિકારી ફરજ પર મોડો આવે છે તે હવે નહીં ચલાવી લેવાય.તેમણે એવું પણ કહ્યું હતું કે હાલમાં નાગરીકો પાસે મોબાઈલની સુવિધા છે. જેથી તેઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કે કર્મચારીઓને વીડિયો બનાવીને ખુલ્લા પાડી શકે છે.

કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાશે
મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે આવતીકાલે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાશે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટે સૂચનાઓ અપાશે. સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે.

ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે પણ વિભાગીય પગલા લેવાશે
આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે. મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.

બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતવણી આપી હતી
બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતવણી આપી હતી

ક્યાંય પણ ખોટું થતું હશે તો સરકાર ચલાવી નહીં લે
તેમણે રાજ્યના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શી વહિવટ માને છે જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાં નાના લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને અત્રેની કચેરી કે મારા કાર્યાલય ખાતે મોકલવામાં આવે. જેથી કરીને તુરંત કાર્યવાહી કરી શકાય. અમે કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને ચેતવણી આપી
બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને હેરાન કરવામા ના આવે. જે કામ ના થાય તેમ હોય તે ના પાડી દે. પહેલા ના પાડે અને પછી બે વર્ષ પછી તે જ કામ કરી આપવામા આવે તે શક્ય ના બને. કામ કરવામા શબ્દોની મારામારી નડતી હોય તો શબ્દો જ બદલી નાખીએ.

AMCનો હપતાબાજ PI ACBના હાથે ઝડપાયો હતો
AMCનો હપતાબાજ PI ACBના હાથે ઝડપાયો હતો

ગુજરાતમાં ACBએ સપાટો બોલાવ્યો
ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ક્લાસ વન સહિતના અધિકારીઓ પર સપાટો બોલાવ્યો છે. તેમાં પણ નોરતામાં જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવીને એક પ્રાંત અધિકારી (SDM) અને બે તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને લાંચ લેવાના ગુનામાં પકડ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ પણ ACBની ઝપટે ચડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...